ભારતમાંથી સૌથી પહેલીવાર દીપિકા હોલીવૂડ વોક ઓફ ફેમમાં સામેલ
- હોલીવૂડના ટોચના કલાકારોની હરોળમાં
- દીપિકાએ સોશિયલ મીડિયા પર ખુશી તથા કૃતજ્ઞાતાની લાગણી વ્યક્ત કરી
મુંબઇ : દીપિકા પદુકોણનું નામ હોલીવૂડની પ્રતિષ્ઠિત વોક ઓફ ફેમ સ્ટાર્સની યાદીમાં સામેલ કરાયું છે. આ સન્માન મેળવનારી તે પ્રથમ ભારતીય અભિનેત્રી બની છે. વિશેષ વાત એ છે કે દીપિકા માતા બન્યા પછી આ યાદીમાં સ્થાન પામી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર આ યાદીમાં સ્થાન અંગે ખુશી તથા કૃતજ્ઞાતાની લાગણી વ્યક્ત કરી હતી. વર્ષ ૨૦૨૬ માટે જાહેર કરાયેલી હોલીવૂડ વોક ઓફ ફેમની યાદીમાં ૩૫ કલાકારોનાં નામ છે. હોલીવૂડ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જાહેર કરાયેલી યાદીમાં મોશન પિકચર્સની શ્રેણીમાં હોલીવૂડ સુપરસ્ટાર એમિલી બ્લન્ટ, ટીમોથી શેલમેટ,ડેમી મૂર, રશેલ મેક એડમ્સ સહિતના કલાકારોને સામેલ કરાયા છે. દીપિકાએ આ ગૌરવ મેળવવામાં આલિયા ભટ્ટ, કિયારા અડવાણી જેવી નવી પેઢીને પાછળ છોડવાની સાથેસાથે હાલ હોલીવૂડમાં સક્રિય ભારતી અભિનેત્રી પ્રિયંકા ચોપરાને પણ મહાત આપી છે. દીપિકાએ ફિલ્મ 'ત્રિપલ એક્સ રિટર્ન ઓફ ઝેન્ડર કેેજ' ફિલ્મથી હોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે.
અગાઉ દીપિકાને ઓસ્કર એવોર્ડમાં પણ પ્રેઝન્ટર તરીકે સન્માન અપાયું હતું.