ઓલ વી ઈમેજિન એઝ લાઈટને યુરોપિયન ફિલ્મ ગણાવાતાં વિવાદ
- કાન્સમાં જીત્યા બાદ ઓસ્કરમાં મજબૂત દાવેદાર હતી
- સરખામણીએ લાપતા લેડીઝ સંપૂર્ણપણે ભારતીય ફિલ્મ છે તેવો ફેડરેશનની જ્યૂરીનો અભિપ્રાય
મુંબઈ : ઓસ્કરમાં ભારત તરફથી ઓફિશિયલ એન્ટ્રી માટે સૌથી મજબૂત દાવેદાર ગણાતી 'ઓલ વી ઈમેજિન એઝ એ લાઈટ'ને બાજુ પર રાખીને 'લાપત્તા લેડીઝ'ની પસંદગીનો વિવાદ વકર્યો છે. હવે ભારત તરફથી એન્ટ્રીનો નિર્ણય કરનાર ફિલ્મ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ 'ઓલ વી ઈમેજિન એઝ એ લાઈટ'ને ભારતીય સેટઅપમાં બનેલી યુરોપિયન ફિલ્મ ગણાવી દેતાં નવો વિવાદ થયો છે.
ફેડરેશનના પ્રમુખ રવિ કોટ્ટારકારાએ કહ્યું હતું કે જ્યૂરીને 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' ભારતીય બેકગ્રાઉન્ડમાં બનેલી યુરોપિયન ફિલ્મ હોવાનું જણાયુ ંહતું. જ્યારે તેની સરખામણીએ 'લાપત્તા લેડીઝ' પૂરેપૂરી ભારતીય ફિલ્મ છે. આથી 'લાપત્તા લેડીઝ'ને ઓસ્કરમાં ભારતની એન્ટ્રી તરીકે મોકલવાનું નક્કી થયું છે.
જોકે, આ વિધાન સામે ફિલ્મ ચાહકો રોષે ભરાયા છે. તેમના જણાવ્યા અનુસાર ' ઓલ વી ઈમેજિન એઝ લાઈટ'ને જ્યાર ેકાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્રાન્ડ પ્રિક્સનું સન્માન મળ્યું ત્યારે સમગ્ર દેશે તેને પોતીકી ફિલ્મ ગણાવી હતી. હવે રાતોરાત તે યુરોપિયન ફિલ્મ કેવી રીતે બની જાય.
ચાહકોએ કહ્યું હતું કે ફિલ્મના બેકગ્રાઉન્ડ કે સ્ટોરી કરતાં પણ તેનુ મેકિંગ ઓસ્કરમાં વધારે મહત્વનું છે. 'લાપત્તા લેડીઝ ' એક ઉમદા ફિલ્મ છે તેનો ઈનકાર નથી પરંતુ ફિલ્મ મેકિંગની રીતે 'ઓલ વી ઈમેજિન એઝ લાઈટ' ક્યાંય બહેતર છે. તે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સન્માન મેળવી ચૂકી છે મતલબ કે ગ્લોબલ ઓડિયન્સ ને તે આંજી શકી છે.