- ટીઝરથી અશ્લીલતા ફેલાતી હોવાનો આરોપ
- સોશિયલ મીડિયા પર પણ ટીકા, જોકે, ડિરેક્ટર ગીતુ મોહનદાસે બચાવ કર્યો
મુંબઈ : યશની ફિલ્મ 'ટોક્સિક'નું ટીઝર તેના જન્મદિવસે રીલિઝ કરવામાં આવ્યું હતું. જોકે, આ ટીઝરમાં કેટલાંક દ્રશ્યો અશ્લીલ હોવાના આરોપો સાથે સોશિયલ મીડિયા પર ભારે ટીકા થઈ રહી છે. હવે કર્ણાટકમાં આ ટીઝર સામે રાજ્ય મહિલા પંચમાં ફરિયાદ પણ થઈ છે.
મહિલા પંચ સમક્ષ થયેલી ફરિયાદમાં આક્ષેપ મૂકાયો છે કે આ ટીઝરને કારણે અશ્લીલતા ફેલાઈ રહી છે. તેનાથી સમાજમાં ખોટો સંદેશો જઈ રહ્યો છે. આ ટીઝર પર પ્રતિબંધ મૂકાવો જોઈએ અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તે હટાવી લેવાનો આદેશ આપવો જોઈએ.
જોકે, ફિલ્મની ડિરેક્ટર ગીતુ મોહનદાસે એક સોશિયલ મીડિયા પોસ્ટ પર ફિલ્મનો બચાવ કર્યો હતો. અશ્લીલતાના આરોપોનો જવાબ આપતાં તેણે કહ્યું હતું કે સ્ત્રીઓને પોતાની રીતે અભિવ્યક્તિની સ્વતંત્રતા છે. પીઢ ફિલ્મ સર્જક રામગોપાલ વર્માએ પણ આ ફિલ્મનાં ટીઝરનો બચાવ કરી તેની પ્રશંસા કરી છે.


