ચારેક મહિનાથી કોમેડિયન સિદ્ધાર્થ સાગર લાપતા છે
-એના મિત્રોએ માહિતી આપવાની જાહેર અપીલ કરી
-છેલ્લે કપિલ શર્માના શોમાં રજૂ થયો હતો
મુંબઇ તા. ૩૦
સ્ટેન્ડ અપ કોમેડિયન કપિલ શર્માના કોમેડી વીથ કપિલ શર્મામાં એક કરતાં વધુ રોલ ભજવનારો સ્ટેન્ડ અપ કોમેડિયન સિદ્ધાર્થ સાગર છેલ્લા ચારેક મહિનાથી લાપતા હોવાની માહિતી મળી હતી.
કપિલના શોમાં સિદ્ધાર્થે સેલ્ફી મૌસી અને નઝીરના રોલ કર્યા હતા અને ઠીક ઠીક લોકપ્રિય નીવડયો હતો. કપિલ શર્માના શો ઉપરાંત સિદ્ધાર્થ કોમેડી સર્કસ, કોમેડી સર્કસ- ચીંચપોકલી ટુ ચાઇના, છોટે મિયાં બડે મિયાં,લાફ્ટર કે ફટકે અને કોમેડી સર્કસ કે અજૂબે જેવા હિટ કોમેડી પ્રોગ્રામ્સમાં ચમક્યો હતો.
સિદ્ધાર્થ સાગરની કહેવાતી દોસ્ત એક સોમી સક્સેનાએ સોશ્યલ મિડિયા પર કરેલી અપીલમાં જણાવાયા મુજબ 'આપ સૌને યાદ છે સિદ્ધાર્થ સાગર ઉર્ફે સેલ્ફી મૌસી ઉર્ફે નઝીર... આ કલાકાર છેલ્લા ચારેક માસથી લાપતા છે. છેલ્લે ૨૦૧૭ના નવેંબરની ૧૮મીએ દેખાયો હતો. એ મારો સારો દોસ્ત છે. તમને કોઇને એના વિશે માહિતી હોય તો પ્લીઝ મને આપો. એનો અતોપત્તો નથી...'
એક અહેવાલ મુજબ સિદ્ધાર્થના દોસ્તોએ એનો સંપર્ક સાધવાના કરેલા તમામ પ્રયાસો નિષ્ફળ નીવડયા હતા. આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે કે કેમ એ જાણવા મળ્યું નહોતું. જો કે એના એક દોસ્તે એવો દાવો કર્યો હતો કે સિદ્ધાર્થને એની માતા સાથે અણબનાવ હ તો અને સિદ્ધાર્થના ગૂમ થવા પાછળ એની માતાનો હાથ હોઇ શકે છે.