China reaction on Battle of Galwan Teaser: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનની આગામી ફિલ્મ 'બેટલ ઑફ ગલવાન'(Battle of Galwan)નું ટીઝર રિલીઝ થતાની સાથે જ પડોશી દેશ ચીનમાં ખળભળાટ મચી ગયો છે. વર્ષ 2020માં લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત અને ચીની સૈનિકો વચ્ચે થયેલી હિંસક અથડામણ પર આધારિત આ ફિલ્મ સામે ચીની મીડિયા અને નિષ્ણાતોએ વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું છે.
સલમાન ખાન ભજવી રહ્યા છે શહીદ સંતોષ બાબુનું પાત્ર
આ ફિલ્મમાં સલમાન ખાન કર્નલ બિક્કુમલ્લા સંતોષ બાબુનું પાત્ર ભજવી રહ્યો છે, જેઓ ગલવાન ઘાટીમાં ચીની સૈનિકો સામે લડતા શહીદ થયા હતા. ચીની સરકારી અખબારના જણાવ્યા અનુસાર, ચીનમાં સલમાન ખાન 'બજરંગી ભાઈજાન' તરીકે લોકપ્રિય છે, પરંતુ આ ફિલ્મમાં તેમની ભૂમિકાને લઈને ચીની મીડિયા પ્રશ્નો ઉઠાવી રહ્યું છે.
ચીની નિષ્ણાતોનો દાવો: 'ફિલ્મમાં તથ્યો નથી'
સલમાન ખાનની ફિલ્મનું ટીઝર સામે આવતા જ ચીની સૈન્ય નિષ્ણાત સૉન્ગ ઝોંગપિંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, 'બોલિવૂડની મોટાભાગની ફિલ્મો માત્ર મનોરંજન અને ઈમોશન્સ પર કેન્દ્રિત હોય છે, પરંતુ ફિલ્મોમાં ગમે તેટલી અતિશયોક્તિ કરવામાં આવે તો પણ તે વાસ્તવિક ઈતિહાસને બદલી શકતી નથી.' માત્ર નિષ્ણાતો જ નહીં, પણ ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'વીબો' પર પણ લોકો આ ફિલ્મને હકીકતથી વિપરીત અને વધુ પડતી ડ્રામેટીક ગણાવી રહ્યા છે. ચીન સતત એવો દાવો કરી રહ્યું છે કે ભારતીય સેનાએ સરહદ(LAC) ઓળંગી હતી, જોકે સત્ય એ છે કે ચીની સૈનિકોએ ભારતીય સીમામાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી હતી જેના કારણે સંઘર્ષ સર્જાયો હતો.
દેશની રક્ષા કરતા 20 જવાનોની શહીદી
ગલવાન ઘાટીની એ ઐતિહાસિક અને હિંસક ઘટના 15 અને 16 જૂન, 2020ની મધ્યરાત્રિએ બની હતી, જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું હતું. આ ભીષણ સંઘર્ષમાં ભારતીય સેનાના 20 બહાદુર જવાનો માતૃભૂમિની રક્ષા કરતા શહીદ થયા હતા. બીજી તરફ, ચીને લાંબા સમય બાદ સત્તાવાર રીતે તેના માત્ર 4 સૈનિકોના મોતના આંકડાનો સ્વીકાર કર્યો છે, પરંતુ આ દાવા સામે અનેક સવાલો ઉભા થયા છે. ઓસ્ટ્રેલિયન અખબારના રિસર્ચ રિપોર્ટ મુજબ, ગલવાનની આ અથડામણમાં ચીનને મોટું નુકસાન થયું હતું અને તેના 38થી વધુ જવાન માર્યા ગયા હોવાનું બહાર આવ્યું છે. આમ, સત્તાવાર આંકડા અને સ્વતંત્ર અહેવાલો વચ્ચે ચીનના નુકસાન બાબતે મોટો તફાવત જોવા મળે છે.
આ પણ વાંચો: હર્ષવર્ધન રાણે એકતા કપૂરની શૂટ આઉટ ઈન દુબઈમાં
સંબંધો પર અસરની ચેતવણી
ચીની નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે ભારત અને ચીનના સંબંધો ધીમે ધીમે સુધરી રહ્યા છે, ત્યારે આવી 'એકતરફી' ફિલ્મ વાતાવરણ બગાડી શકે છે. બીજી તરફ, ભારતીય ચાહકોમાં આ ટીઝરને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગલવાનની ઘટના બાદ જ ભારતે અનેક ચીની એપ્સ અને કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો હતો, જે તણાવ આજે પણ જોવા મળે છે.


