- બોબી દેઓલ અને જયદીપ અહલાવત બાદ વધુ એક બાબા
મુંબઇ : આજકાલ ભ્રષ્ટ બાબાઓની દમદાર ભૂમિકાઓ ભજવી એક સમયના હીરો ખલનાયક તરીકે વાહ વાહ રળી રહ્યા છે. બોબી દેઓલને આશ્રમમાં બાબાનો રોલ ફળ્યો હતો તો જયદીપ અહલાવતને મહારાજ ફિલ્મમાં બાબાની ભૂમિકા ફળી હતી.
હવે આ બાબાઓની એક્ટર મંડળીમાં ચન્દ્રચૂડસિંહનો ઉમેરો થયો છે. ચન્દ્રચૂડસિંહ હુમા કુરેશીની ફિલ્મ બયાનમાં રાજસ્થાનના એક વગદાર બાબાની ભૂમિકામાં જોવા મળશે.
એક્ઝિક્યુટિવ પ્રોડયુસર તરીકે હુમા કુરેશીએ નિર્માણ કરેલી આ ફિલ્મના નિર્દેશક બિકાસરંજન મિશ્રા છે. શિલાદિત્ય બોરાની પ્લેટુન વન ફિલ્મ્સ દ્વારા નિર્મિત આ ફિલ્મ સપ્ટેમ્બર ૨૦૨૫માં ૫૦મા ટોરોન્ટો ફિલ્મ ફેસ્ટિવલમાં નીરજ ઘેયવાનની હોમબાઉન્ડ ફિલ્મની સાથે સાથે રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં હુમા કુરેશી એક પોલીસ અધિકારીની ભૂમિકામાં છે જે આ વગદાર ભ્રષ્ટબાબા પાસેથી બયાન મેળવવા માટે આકરો સંઘર્ષ કરે છે.
વેબ શો આર્ય અને ઓટીટી પર રજૂ થયેલી ફિલ્મ કટપુતલી બાદ ચન્દ્રચૂડસિંહની આ એક મોટી ભૂમિકા પુરવાર થશે. આ ફિલ્મ આ વર્ષે થિયેટર્સમાં રજૂ કરવાની નિર્માતાઓની યોજના છે.


