Get The App

અમિતાભની ઓરિજિનલ ડોનના દિગ્દર્શક ચંદ્રા બારોટનું નિધન

Updated: Jul 20th, 2025

GS TEAM

Google News
Google News
અમિતાભની ઓરિજિનલ ડોનના દિગ્દર્શક ચંદ્રા બારોટનું નિધન 1 - image


- ડોન સિવાયની કોઈ ફિલ્મ ન ચાલી

- નિર્માતાને દેવામાંથી ઉગારવા અમિતાભ, ઝિન્નત સાથે મળીને ફિલ્મ બનાવી હતી

મુંબઈ: અમિતાભ બચ્ચન, ઝિન્નત અમાન તથા પ્રાણ સહિતના કલાકારોની ભૂમિકા ધરાવતી અને 'ખઈ કે પાન બનારસવાલા' દેવાં હિટ ગીત ધરાવતી ફિલ્મ 'ડોન'ના દિગ્દર્શક ચન્દ્રા બારોટનું મુંબઈમાં ૮૬ વર્ષની વયે નિધન થયું છે. 

તેમને છેલ્લાં ૧૧ વર્ષથી ઈડિઓપેથિક પલ્મોનરી ફાઈબ્રોસિસની બીમારી હતી. તેના કારણે તેમને કાર્ડિઆક એરેસ્ટ આવ્યો હતો. 

'ડોન' ફિલ્મના રાઈટ્સ ખરીદી બાદમાં શાહરુખ ખાન સાથે તેના બે ભાગ બનાવનાર  ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે ઓરિજિનલ 'ડોન'ના  સર્જક ચન્દ્રા બારોટને સોશિયલ મીડિયા પર અંજલિ આપી હતી. 

ફિલ્મ ઉદ્યોગમાં એ જાણીતી વાત છે તેમ નિર્માતા નરિમાન ઈરાનીને  આર્થિક સંકટમાંથી ઉગારવા માટે ચન્દ્રા બારોટે અમિતાભ, ઝિન્નત અને પ્રાણના સહકારથી આ ફિલ્મ બનાવી હતી. સલીમ -જાવેદને વિનંતી કરી તેમની તૈયાર સ્ક્રિપ્ટ મેળવવામાં આવી હતી. 

આ સ્ક્રિપ્ટ પરથી ફિલ્મમાં કામ કરવાની અગાઉ ધર્મેન્દ્ર અને દેવ આનંદ સહિતના કલાકારો ના પાડી ચૂક્યા હતા. ડોન ૧૯૭૮માં રજૂ થયેલી સૌથી હિટ ફિલ્મ બની હતી પરંતુ કમનસીબે નરિમાન ઈરાની આ સફળતા જોવા જીવતા રહ્યા ન હતા. ફિલ્મ રીલિઝના છ માસ પહેલાં જ તેમનું અવસાન થયું હતું. 

ચન્દ્રા બારોટે 'રોટી, કપડા ઔર મકાન' તથા 'શોર' જેવી ફિલ્મોમાં મનોજ કુમારના સહાયક  દિગ્દર્શક તરીકે કામ કર્યું હતું. તેમણે 'ડોન' પછી પણ બંગાળીમાં અને હિંદીમાં કેટલીક ફિલ્મો બનાવી હતી પરંતુ  તેમાંની મોટાભાગની નિષ્ફળ ગઈ હતી અથવા તો રજૂ પણ થઈ શકી ન હતી. 

Tags :