આકાંક્ષા દુબે મોત મામલે ભોજપુરી સિંગર સમર સિંહ સહિત બે પર કેસ દાખલ
- અભિનેત્રી આકાંક્ષા દૂબેની માતાએ ગંભીર આરોપ લગાવ્યા
નવી દિલ્હી, તા. 27 માર્ચ 2023, સોમવાર
ભોજપુરી ફિલ્મ અભિનેત્રી આકાંક્ષા દુબેના મોત મામલે નવો વળાંક આવ્યો છે. આ મામલે સારનાથ પોલીસ સ્ટેશનની પોલીસે સિંગર સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ આત્મહત્યા માટે ઉશ્કેરવા સહિત અન્ય કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. મુંબઈથી વારાણસી પહોંચેલી આકાંક્ષાની માતાની ફરિયાદ પર પોલીસે આ કાર્યવાહી કરવામાં આવી છે.
આકાંક્ષાની માતા મધુએ કહ્યું કે, મારી દીકરી ખૂબ જ હિંમતવાન હતી. તે આત્મહત્યા કરે જ નહીં. તેણે પોલીસ-તંત્રને ન્યાય માટે અપીલ કરી હતી. આકાંક્ષા દુબેની માતા અને ભાઈ સોમવારે સવારે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. મધુએ જણાવ્યું કે, તેણે શનિવારે સાંજે સાત વાગ્યે આકાંક્ષા સાથે મોબાઈલ પર વાત કરી હતી. ત્યારે તે ખુશ હતી અને તેણે કોઈ સમસ્યાનો ઉલ્લેખ નહોતો કર્યો. મેં રાત્રે 12 વાગ્યે ફોન કર્યો તો તેણે ફોન નહોતો ઉપાડ્યો. તેણે કોઈ પાર્ટીમાં જવાની વાત પણ નહોતી જણાવી.
આકાંક્ષાની માતા મધુએ આરોપ લગાવ્યો કે, આઝમગઢનો રહેવાસી ભોજપુરી સિંગર સમર સિંહ આકાંક્ષાને ખૂબ ટોર્ચર કરતો હતો. તેમણે જણાવ્યું કે, સમર સિંહ ઈચ્છે છે કે, આકાંક્ષા માત્ર તેની સાથે જ કામ કરે અને અન્ય કોઈની સાથે નહીં. તે સાથે કામ કરવા માટે પૈસા નહોતો આપતો. તે બીજાની ફિલ્મ કે ગીતમાં કામ કરવા બદલ માર મારતો હતો. ઘણી વખત જ્યારે આકાંક્ષાએ તેની પાસે પૈસા માંગ્યા તો તેણે તેની સાથે મારપીટ પણ કરી હતી.
આકાંક્ષાએ તેમને રડતાં રડતાં બધું જણાવ્યુ હતું. 21 માર્ચે આકાંક્ષા બસ્તીમાં શૂટિંગ કરી રહી હતી. ત્યારબાદ ભોજપુરી સિંગર સમરના ભાઈ સંજય સિંહનો મોબાઈલ પર કોલ આવ્યો. તે ફોન પર ધમકી આપતો હતો કે, તને મારી નાખીશ. આકાંક્ષાની અસિસ્ટન્ટ રેખાએ પણ જણાવ્યું કે, મેડમ સેટ પર જોરથી બોલતા હતા. જે ભોજપુરી ગાયક પર આરોપ લગાવવામાં આવ્યો છે તે રવિવારથી ગાયબ છે. ACP સારનાથ જ્ઞાનપ્રકાશ રાયે કહ્યું કે ફરિયાદના આધારે કેસ દાખલ કરવામાં આવ્યો છે. કેસની તપાસ ચાલી રહી છે. આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.
આકાંક્ષા દુબેના મૃત્યુના સમાચાર સામે આવ્યા બાદ ભોજપુરી સિંગર અને એક્ટર સમર સિંહે એક ઈમોશનલ પોસ્ટ કરી હતી. તેમાં તેણે બે રડતા ઈમોજી પોસ્ટ કર્યા હતા અને લખ્યું – નિશબ્દ. RIP. હેશટેગની સાથે અભિનેત્રીનું નામ પણ લખ્યુ હતું.