ચીની વસ્તુઓનો કરો બહિષ્કાર, CAITએ પત્ર લખીને ફિલ્મ સ્ટાર્સને કરી વિનંતી
અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સચિન તેંદુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીને 'ભારતીય સામાન-અમારૂં અભિમાન' કેમ્પેઈનમાં જોડાવા વિનંતી કરવામાં આવી
નવી દિલ્હી, તા. 18 જૂન 2020, ગુરૂવાર
કોરોના વાયરસ મહામારીના કારણે પહેલેથી જ સમગ્ર વિશ્વમાં ચીનની છબિ ખરાબ થઈ ગઈ છે ત્યારે હવે ચીન સાથે જોડાયેલી સરહદ પરના તણાવને લઈ દેશભરમાં ચીની સામાન અને ચીની સેવાઓનો વિરોધ ઉગ્ર બન્યો છે. ટ્રેડર્સ બોડીએ બોલિવુડના કલાકારોને સંબોધીને એક ઓપન લેટર લખ્યો છે જેમાં કલાકારોને ચીની વસ્તુઓ એન્ડોર્સ ન કરવા વિનંતી કરી છે.
પત્ર દ્વારા કલાકારોને ચીની વસ્તુઓ અને સેવાઓના બોયકોટ અભિયાનમાં જોડાવાની અપીલ કરવામાં આવી છે. CAITએ આમિર ખાન, કેટરીના કૈફ, દીપિકા પાદુકોણે, રણબીર કપૂર, સલમાન ખાન, માધુરી દીક્ષિત, શિલ્પા શેટ્ટી, શ્રદ્ધા કપૂર, રણવીર સિંહ અને વિરાટ કોહલીને ચીની વસ્તુઓનું વિજ્ઞાપન ન કરવા વિનંતી કરી છે. સાથે જ અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, સચિન તેંદુલકર અને મહેન્દ્ર સિંહ ધોનીને આ કેમ્પેઈનમાં જોડાવા વિનંતી કરવામાં આવી છે.
CAITએ તમામ કલાકારોને રાષ્ટ્રહિતનું વિચારીને ચીની વસ્તુઓના બહિષ્કાર અભિયાન 'ભારતીય સામાન-અમારૂં અભિમાન'માં જોડાવા આહ્વાન કર્યું છે. ઉલ્લેખનીય છેકે તાજેતરમાં જ ચીની સેના સાથેની અથડામણમાં 20 ભારતીય જવાન શહીદ થયા હતા. ત્યાર બાદ દેશભરમાં ચીન વિરૂદ્ધનો આક્રોશ ઉગ્ર બન્યો છે અને લોકો ચીની વસ્તુો અને સેવાઓનો વિરોધ કરવા લાગ્યા છે.
ટિકટોકનું રેટિંગ ઘટ્યું
સોશિયલ મીડિયામાં ચીની ઉત્પાદનો અને મોબાઈલ એપ્લિકેશનનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને બોયકોટ ચાઈનીઝ જેવા હેઝટેગ ટ્રેન્ડ કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ટ્વિટર પર ચીની મોબાઈલ એપ્લિકેશન ટિકટોકનો ભારે વિરોધ થયો હતો જેથી ગૂગલ પ્લે સ્ટોર પર તેનું રેટિંગ ખૂબ જ નીચું જતું રહ્યું હતું.