Get The App

ધર્મેન્દ્રની છેલ્લી ફિલ્મ 'ઈક્કીસ'નું નવું પોસ્ટર રિલીઝ, અવાજ સાંભળી ફેન્સ ભાવુક

Updated: Nov 24th, 2025

GS TEAM

Google News
Google News
Dharmendra last movie

Poster of His Last Film ‘Ikkis’ Released : બોલિવૂડના 'હીમેન' એટલે કે ધર્મેન્દ્ર આજે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયા. 89 વર્ષની વયે તેમનું નિધન થતાં સમગ્ર સિનેમા જગત આઘાતમાં છે. દાયકાઓ સુધી ધર્મેન્દ્ર હિન્દી સિનેમામાં અનેક સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમણે છ દાયકાથી વધુ સમય ફિલ્મોમાં કામ કર્યું. જોકે તેમની છેલ્લી ફિલ્મ જલ્દી જ સિનેમામાં રિલીઝ થશે. 

છેલ્લી ફિલ્મનું પોસ્ટર રિલીઝ 

અગસ્ત્ય નંદાની ફિલ્મ 'ઈક્કીસ'માં ધર્મેન્દ્ર જોવા મળશે. આ ફિલ્મમાં તેમણે દિવંગત લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી છે. આજે સવારે જ આ ફિલ્મનું વધુ એક પોસ્ટર રિલીઝ કરાયું હતું. પોસ્ટરમાં માત્ર ધર્મેન્દ્ર દેખાઈ રહ્યા છે અને તેમનો અવાજ સંભળાય છે. આ ફિલ્મ ધર્મેન્દ્રના કરિયરની છેલ્લી ફિલ્મ છે. એવામાં આજે તેમનું નિધન થતાં આ પોસ્ટર જોઈને તેમના ફેન્સ ભાવુક થઈ ગયા હતા. 


લાંબી બીમારી બાદ ધર્મેન્દ્રએ દુનિયાને કહ્યું અલવિદા 

દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 24 નવેમ્બર 2025ના રોજ 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ ભારતીય સિનેમાના હી-મેન તરીકે પ્રખ્યાત હતા. તેમના નિધનથી સિનેમા જગતમાં શોકની લહેર પ્રસરી ગઈ છે. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ છેલ્લા ઘણાં સમયથી વિવિધ બીમારીથી પીડિત હતા. મુંબઈની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી હતી. હજુ થોડા દિવસ પહેલા જ તેમને હૉસ્પિટલમાંથી રજા અપાઈ હતી અને ઘરે તેમની સારવાર ચાલી રહી હતી. 


યાદગાર રહી સફર

ધર્મેન્દ્રનો જન્મ 8 ડિસેમ્બર, 1935ના રોજ પંજાબમાં થયો હતો. 65 વર્ષના ફિલ્મી કરિયરમાં તેમણે 300થી વધુ ફિલ્મોમાં કામ કર્યું અને હિન્દી સિનેમા જગતમાં અનેક હિટ ફિલ્મો આપી. તેમણે 1960માં દિલ ભી તેરા હમ ભી તેરે ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. આઇ મિલન કી બેલા, ફૂલ ઔર પથ્થર, આએ દિન બહાર કે જેવી ફિલ્મથી તેમને રાતોરાત લોકચાહના મળી. શોલે અને યમલા પગલા દિવાના તેમની સૌથી પોપ્યુલર ફિલ્મો રહી. આજે પણ લોકો તે ફિલ્મના વખાણ કરે છે. હવે તો જલ્દી જ અગસ્ત્ય નંદાની ફિલ્મ ઈક્કીસમાં જોવા મળશે જે 25 ડિસેમ્બરે રિલીઝ થશે. આ ફિલ્મ હવે તેમની અંતિમ ફિલ્મ બની રહેશે. ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે.