બોલીવૂડના બેસ્ટ 'ડિસ્કો ડાન્સર' મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે સન્માન

Updated: Oct 1st, 2024


Google NewsGoogle News
બોલીવૂડના બેસ્ટ  'ડિસ્કો ડાન્સર' મિથુન ચક્રવર્તીને દાદા સાહેબ ફાળકે સન્માન 1 - image


- પહેલી જ ફિલ્મ મૃગયા માટે નેશનલ એવોર્ડ મળ્યો હતો

- 80ના દાયકામાં મીથુને ગરીબ નિર્માતાઓના અમિતાભ તરીકે બિરુદ મેળવ્યું હતું

મુંબઈ : ભારતની એક આખી પેઢીને ડિસ્કો ડાન્સનું ઘેલું લગાડનારા એક્ટર મિથુન ચક્રવર્તીને ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદા સાહેબ ફાળકે સન્માનથી નવાજવાની ભારત સરકારે જાહેરાત કરી છે. હાલ ૭૪ વર્ષના મિથુને કારકિર્દીની પહેલી જ ફિલ્મ ૧૯૭૬ની 'મૃગયા'માં નેશનલ એવોર્ડ મેળવી સૌનું ધ્યાન ખેંચ્યું હતું. 

૮૦ના દાયકામાં જ્યારે વીડિયો કેસેટના આક્રમણે થિયેટર ઉદ્યોગને હચમચાવી દીધો હતો ત્યારે મિથુને લો અને મીડિયમ બજેટની અનેક ફિલ્મોને પોતાની અદાઓના જોરે સફળ બનાવી ગરીબ નિર્માતાઓના અમિતાભ બચ્ચનનું બિરુદ મેળવ્યું હતું. મિથુને આ સન્માન માટે ખુશી વ્યક્ત કરતાં કહ્યું હતું કે હું ફૂટપાથો પર ઉછર્યો છું, બગીચાના બાંકડે સૂઈ રહેતો હતો. મને કશું જ સંઘર્ષ વિના મળ્યું નથી પરંતુ કપરા સંઘર્ષ બાદ આવી સિદ્ધી મળે ત્યારે તે બધી પીડાઓ ભૂલી જવાય છે.

મિથુને 'ગુલામી' સહિતની ફિલ્મોમાં એક્શન રોલ પણ ભજવ્યા તો 'પ્યાર ઝૂકતા નહિ' જેવી ફિલ્મોમાં રોમાન્ટિક ભૂમિકાઓ પણ કરી હતી. 

અમિતાભની બહુ વખણાયેલી ફિલ્મ 'અગ્નિપથ'માં મિથુને સહાયક ભૂમિકામાં સૌની પ્રશંસા મેળવી હતી. ૮૦ના દાયકાની એક્શન ફિલ્મોમાં મિથુનનો એક અલાયદો ચાહક વર્ગ હતો અને તેની ફિલ્મો ખાસ કરીને નાના સેન્ટરો પર સફળતાની ગેરંટી મનાતી હતી. 'કોઈ શક...' બોલવાની તેની આગવી અદા ત્યારના યુવકોમાં લોકપ્રિય હતી. યુવકો તેના જેવી હેર સ્ટાઈલ અને તેના જેવા ડાન્સનું અનુકરણ કરવા ઈચ્છતા હતા.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે આજે સવારે મિથુનને દાદા સાહેબ ફાળકે પુરસ્કારથી સન્માનિત કરવાની જાહેરાત કરી તે પછી તરત જ અનેક મહાનુભવો તથા ચાહકો દ્વારા  અભિનંદનોનો વરસાદ શરુ થયો હતો. વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ મિથુનને સંખ્યાબંધ પેઢીઓની ચાહના મેળવનાર કલ્ચરલ આઈકોન તરીકે ગણાવી અભિનંદન પાઠવ્યાં હતાં. 

મિથુન વર્ષોથી રાજકારણમાં સક્રિય છે અને હાલ ભાજપમાં છે. તેને દેશનો ત્રીજો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મભૂષણ પણ મળી ચૂક્યો છે. આઠમી ઓક્ટોબરે યોજાનારા ૭૦મા રાષ્ટ્રીય પુરસ્કાર સન્માન સમારોહમાં મિથુનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત કરાશે.

મિથુને પોતાના પ્રત્યાઘાતમાં કહ્યું હતું કે આ સમાચાર મળ્યા ત્યારથી જ પાછલી જિંદગી મારા મગજમાં રિપ્લે થઈ રહી છે.એક એક કોળિયા માટે અને છાપરાં માટે કેવો સંઘર્ષ વેઠયો હતો તે યાદ આવે છે. કોલકત્તામાં હું ફૂટપાથો પર રહ્યો હતો. ત્યાંથી મુંબઈ પહોંચ્યો એ પછી જાહેર બગીચાઓના બાંકડે  રાતો ગુજારી હતી.આ સંઘર્ષ વેઠયા પછી જ્યારે આજે આ એવોર્ડ મળે છે ત્યારે મારી પાસે શબ્દો ખૂટી પડયા છે. સૌને જાણે છે કે મારી જિદગી સરળ રહી નથી. મને સંઘર્ષ વગર કશું મળ્યું નથી.પરંતુ, જ્યારે આવું સન્માન મળે છે ત્યારે તમે એ સંઘર્ષની પીડા ભૂલી જાઓ છો. ખરેખર ઈશ્વર મારા માટે બહુ ઉદાર છે. 

મિથુનનું મૂળ નામ ગૌરાંગ ચક્રવર્તી છે. તેણે પુણેની ફિલ્મ એન્ડ ટીવી ઈન્સ્ટિટયૂટમાંથી અભિનયનું પ્રશિક્ષણ મેળવ્યું હતું. એક સમયે નક્સલવાદ સાથે પણ સંકળાઈ ચૂકેલા મિથુને ૧૯૭૬માં મૃણાલ સેન દિગ્દર્શિત પહેલી જ ફિલ્મ 'મૃગયા' માટે નેશનલ એવોર્ડ મેળવ્યો હતો. તે પછી ૧૯૯૨માં 'તાહેદાર કથા' માટે બેસ્ટ એક્ટર અને ૧૯૯૮માં 'સ્વામી વિવેકાનંદ' માટે બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ પણ મિથુનને મળી ચૂક્યો છે.

૧૯૮૨માં આવેલી 'ડિસ્કો ડાન્સર' ફિલ્મે એક આખી પેઢીને નચાવી હતી. આ ફિલ્મના સુપરહિટ ગીતો આજે પણ ભારત તો ઠીક રશિયામાં પણ લોકપ્રિય છે. વાસ્તવમાં રશિયામાં જો રાજકપૂર પછી સૌથી વધુ કોઈ લોકપ્રિય ભારતીય કલાકાર તરીકે મિથુનની ગણના થાય છે. 


Google NewsGoogle News