બોલીવુડના દમદાર એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીએ અંગ્રેજી ફિલ્મોમાં આવા રોલ ભજવવાનો કર્યો ઈનકાર
મુંબઈ, તા. 03 જાન્યુઆરી 2023 મંગળવાર
હિંદી સિનેમાના દમદાર કલાકારોની વાત કરવામાં આવે ત્યારે તે લિસ્ટમાં એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકીનું નામ પણ સામેલ થાય છે. કમાલની એક્ટિંગ માટે નવાઝુદ્દીન સિદ્દીકી ખૂબ મશહૂર છે. પોતાના શ્રેષ્ઠ અભિનયથી નવાઝુદ્દીન દરેક રોલમાં જીવ ફૂંકે છે.
નાના-મોટા સાઈડ રોલથી પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરનાર નવાઝુદ્દીન સિદ્દીકી હવે અમેરિકન ઈંગ્લિશ ફિલ્મ 'લક્ષ્મણ લોપેઝ' (Laxman Lopez)માં પણ જોવા મળશે. આ દરમિયાન નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યુ કે તેઓ ઈંગ્લિશ ફિલ્મોમાં નાના રોલ ક્યારેય નહીં કરે.
નવાઝુદ્દીન સિદ્દીકીએ કહ્યુ કે મે ઈન્ડસ્ટ્રીમાં ઘણા નાના રોલ નિભાવ્યા છે. જે બાદ મે પોતાની મહેનત અને ધગશથી આ સ્થાન મેળવ્યુ છે. આજના સમયે જો કોઈ વિદેશી ફિલ્મ મને નાના-મોટા રોલ આપશે તો હુ તેને ક્યારેય કરીશ નહીં. આ વાતના મે સોગંધ લીધેલા છે. પછી ભલે ને મેકર્સ મને આ માટે 25 કરોડ રૂપિયા જ કેમ ના આપે. મને લાગે છે કે તમારે પોતાના કાર્યને શ્રેષ્ઠ બનાવવુ જોઈએ. જો તમારુ કામ સારુ હશે તો ખ્યાતિ આપમેળે તમારી પાસે આવશે.
જો તમે ખ્યાતિની પાછળ ભાગશો તો તે તમારાથી દૂર થશે. પોતાને એ લાયક બનાવી લો કે મની અને ફેમ બંને તમારા ગુલામ બની જાય. હુ પોતાના પાત્રોને લઈને ખૂબ સચેત રહુ છુ. હુ હંમેશા ઈચ્છુ છુ કે હુ એ પ્રકારના પાત્ર ભજવુ જે લોકોને સરળતાથી સમજાય જાય. આ માટે હુ દરરોજ ખૂબ પ્રયત્ન પણ કરુ છુ.
અમેરિકન ફિલ્મ 'લક્ષ્મણ લોપેઝ'માં નવાઝુદ્દીન સિદ્દીકી એક મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ઉલ્લેખનીય છેકે નવાઝુદ્દીન સિદ્દીકી ફિલ્મ 'હડ્ડી'માં જોવા મળશે, જેમાં તેમણે એક કિન્નરનું પાત્ર ભજવ્યુ છે.