ભીડને સાચવવાનું કામ એક્ટર્સનું નથી..', અલ્લુ અર્જુનની ધરપકડ મુદ્દે 'લૉયર' સના ખાનનું નિવેદન
Sana Raees Khan Criticizes Allu Arjun Arrest: અલ્લુ અર્જુનની ફિલ્મ 'પુષ્પા 2'ની સ્ક્રીનિંગ પર નાસભાગ મચી ગઈ હતી જેણે બધાને ચોંકાવી દીધા હતા. હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં ફિલ્મની સ્ક્રીનિંગ પર અલ્લુ અર્જુન ખુદ ચાહકો સાથે પોતાની ફિલ્મ જોવા પહોંચ્યો હતો. એક્ટરને જોવા માટે એકઠી થયેલી ભીડમાં નાસભાગ મચી ગઈ હતી અને તેમાં એક રેવતી નામની મહિલાનું મોત થઈ ગયું હતું. બીજી તરફ આ મહિલાનો 9 વર્ષનો પુત્ર શ્રીતેજ ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો અને હજું પણ વેન્ટિલેટર પર છે.
લૉયર સના રઈસ ખાને અલ્લુ અર્જનને સપોર્ટ કર્યો
આ મામલે પોલીસે 'પુષ્પા 2' સ્ટાર અલ્લુ અર્જુનની ધરપકડ પણ કરી હતી, જોકે તેને બીજા જ દિવસે જામીન મળી ગયા હતા. પરંતુ અર્જુનની ધરપકડને લઈને લોકોમાં નારાજગી છે. હવે બિગબોસ 17નો હિસ્સો રહેલી ક્રિમિનલ લૉયર સના રઈસ ખાને પણ અલ્લુ અર્જનને સપોર્ટ કર્યો છે. ઘણાં હાઈ પ્રોફાઈલ કેસ સાથે જોડાય ચૂકેલી સનાએ કહ્યું છે કે આ દુ:ખદ ઘટનામાં ફિલ્મ સ્ટારને દોષી ન ઠેરવી શકાય, કારણ કે ભીડને મેનેજ કરવાની જવાબદારી ઈવેન્ટ ઓર્ગેનાઈઝરની છે, એક્ટર્સની નથી.
સનાએ અલ્લુ અર્જુનનો કર્યો સપોર્ટ
સનાએ કહ્યું કે, 'અલ્લુ અર્જનનું મજબૂત સ્ટારડમ પોતાની સાથે પેશેનેટ અને જબરદસ્ત ફેન ફોલોઈંગ પણ લઈને છે. આવી લોકપ્રિયતાના કારણે બેકાબૂ ભીડ એકઠી થઈ શકે છે, એ સમજવું ખૂબ જ મહત્વનું છે કે ભીડને મેનેજ કરવી એ ઈવેન્ટના ઓર્ગેનાઈઝર્સ અને લોકલ ઓથોરિટીની જવાબદારી છે, એક્ટર્સની નથી. સનાએ વધુમાં કહ્યું હતું કે, અલ્લુ અર્જુનને એક એવી ભૂલ માટે જવાબદાર ઠેરવવામાં આવ્યો જે તેના કંટ્રોલની બહાર હતું. આ માત્ર અન્યાય જ નથી પરંતુ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં અન્ય લોકો માટે એક ખોટું ઉદાહરણ પણ સેટ કરે છે.
ચાહકો સાથે સંબંધિત દરેક ઘટના માટે એક્ટર્સને જવાબદાર ન ઠેરવી શકાય
સનાએ આગળ કહ્યું કે, કાયદાકીય રીતે અલ્લુ અર્જુનની વચગાળાની જામીન ન્યાયિક પ્રણાલીની સમજણ દર્શાવે છે કે કદાચ તેની ધરપકડ કરવાની કોઈ જરૂર નહોતી. ફોજદારી જવાબદારી નક્કી કરવા માટે બેદરકારીના પુરાવા અથવા તેમને નાસભાગ સાથે સીધી રીતે જોડતા પુરાવા હોવા જોઈએ. પરંતુ જે હકીકતો સામે આવી છે તે પ્રમાણે એવું કંઈ નજર નથી આવી રહ્યું. પોતાના ચાહકો સાથે સંબંધિત દરેક ઘટના માટે એક્ટર્સને જવાબદાર ન ઠેરવી શકાય. સિવાય કે તેમની તરફથી કોઈ વ્યવહારિક ભૂલ થઈ હોય અથવા પબ્લિક સેફ્ટીને લઈને કોઈ ચૂક થઈ હોય.
સનાએ એક્ટર્સને એ પણ સલાહ આપી કે, તેમણે આવા કાનૂની કેસથી બચવા માટે પોતાનામાં થોડો ફેરફાર કરવો જોઈએ. તેમણે પોતે એ સુનિશ્ચિત કરવું જોઈએ કે સુરક્ષા ગાઈડ લાઈન ફોલો કરવામાં આવે, સુરક્ષા વ્યવસ્થા પ્રોપર હોય અને ભીડનું નિયંત્રણ યોગ્ય રીતે કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે, નાસભાગ કેસમાં અલ્લુ અર્જુનને 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. બાદમાં તેને 50 હજાર રૂપિયાના બોન્ડ પર 4 અઠવાડિયા માટે વચગાળાના જામીન આપી દેવામાં આવ્યા હતા.