હિન્દી અને ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા અમિત મિસ્ત્રીનું હાર્ટ એટેકથી નિધન
મુંબઇ, તા. 23 એપ્રિલ 2021, શુક્રવાર
અભિનેતા નસીરુદ્દીન શાહની વેબ સિરિઝ બંદિશ બેન્ડિટ્સના અભિનેતા અમિત મિસ્ત્રીનું આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે. અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા.
અમિતએ શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર, સાત ફેરો કી હેરાફેરી જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા.
કોરોનાકાળમાં ભારતીય મનોરંજન જગતે અનેક દિગ્ગજ કલાકારોને ગુમાવ્યા છે. પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે.
દર્શન જરીવાલાએ વ્યક્ત કર્યુ દુખ
દિગ્ગજ ગુજરાતી અભિનેતા દર્શન જરીવાલાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને દુખ વ્યક્ત કર્યુ. તેમણે લખ્યું કે બે જૂના મિત્રો જેણે મારા જીવનને સંગીતથી તરબોળ કરી દીધું, તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. RIP શ્રવણ રાઠોડ, RIP અમિત મિસ્ત્રી.
CINTAA એ દુખ વ્યક્ત કર્યું
ધ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશનએ અભિનેતાની મોત પર દુખ વ્યક્ત કર્યું છે. CINTAA એ સત્તાવાર ટ્વિટર હેન્ડલથી અમિતને શ્રદ્ધાંજલિ આપી છે અને જણાવ્યું કે તે 2004થી સિન્ટાના સભ્ય હતા.