Get The App

'10 કરોડ આપ નહીંતર જાનથી મારી નાખીશું...', જાણીતા સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી!

Updated: Jan 17th, 2026

GS TEAM

Google News
Google News
'10 કરોડ આપ નહીંતર જાનથી મારી નાખીશું...', જાણીતા સિંગર બી પ્રાકને લોરેન્સ બિશ્નોઈ ગેંગની ધમકી! 1 - image


B Praak Threat News : સિંગર બી પ્રાક પાસે લોરેન્સ બિશ્નોઈ ગેંગના નામે 10 કરોડ રૂપિયાની ખંડણી માંગવામાં આવી છે. આ ધમકી સીધી રીતે નહીં પરંતુ પંજાબી સિંગર દિલનૂર દ્વારા આપવામાં આવી છે. દિલનૂરને 5 જાન્યુઆરીએ વિદેશી નંબર પરથી બે વાર ફોન આવ્યા હતા, પરંતુ તેણે ઉઠાવ્યા નહોતા. ત્યારબાદ 6 જાન્યુઆરીએ જ્યારે ફોન આવ્યો ત્યારે દિલનૂરે વાત કરી હતી, પરંતુ શંકાસ્પદ લાગતા ફોન કાપી નાખ્યો હતો. ત્યાર બાદ તેને એક ઓડિયો રેકોર્ડિંગ મોકલવામાં આવ્યું હતું.

આરઝૂ બિશ્નોઈના નામે અપાઈ ધમકી

પોલીસ ફરિયાદ મુજબ, ધમકી આપનાર વ્યક્તિએ પોતાનું નામ આરઝૂ બિશ્નોઈ હોવાનું જણાવ્યું છે. તે લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય હોવાનું કહેવાય છે અને હાલ વિદેશમાં છુપાયેલો છે. તેણે વોઈસ મેસેજમાં કહ્યું કે, "હેલો, આરઝૂ બિશ્નોઈ બોલી રહ્યો છું. બી પ્રાકને મેસેજ કરી દેજો કે 10 કરોડ રૂપિયા જોઈએ છે. તારી પાસે એક અઠવાડિયાનો સમય છે. દુનિયાના કોઈપણ દેશમાં જતો રહે તું બચી નહીં શકે. આને ફેક કોલ ન સમજતા, જો માનીને ચાલશો તો ઠીક છે નહિતર ધૂળમાં મેળવી દઈશું."

મોહાલી પોલીસમાં લેખિત ફરિયાદ

આ ધમકીભર્યા મેસેજ બાદ સિંગર દિલનૂરે તાત્કાલિક 6 જાન્યુઆરીએ SSP મોહાલીને લેખિતમાં ફરિયાદ આપી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી દીધી છે અને સિંગરની સુરક્ષાને લઈને પણ ચર્ચા કરવામાં આવી રહી છે. વિદેશી નંબર અને આરઝૂ બિશ્નોઈના કનેક્શનને લઈને ટેકનિકલ તપાસ ચલાવવામાં આવી રહી છે.

હિટ ગીતોનો રાજા છે બી પ્રાક

બી પ્રાક અત્યારે બોલિવૂડ અને પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીનું ખૂબ મોટું નામ છે. 'તેરી મિટ્ટી', 'ફિલહાલ' અને 'મનભર્યા' જેવા સુપરહિટ ગીતો આપનાર બી પ્રાકની લોકપ્રિયતા દેશ-વિદેશમાં છે. અગાઉ પણ પંજાબી સિંગર્સ લોરેન્સ ગેંગના નિશાને રહ્યા છે, ત્યારે આ નવી ધમકીએ ઈન્ડસ્ટ્રીમાં ફફડાટ ફેલાવી દીધો છે.