આયુષ્માન ખુરાનાની બોક્સ ઓફિસની પ્રથમ દિવસની કમાણી ફક્ત 1.31 કરોડ રૂપિયા
- બોલીવૂડની વધુ એક ફિલ્મની નબળી શરૂઆત
- અભિનેતાનો એકશન રોલ દર્શકોનું મનોરંજન કરવામાં નિષ્ફળ રહ્યો
મુંબઇ : આયુષ્માન ખુરાનાની ફિલ્મ એન એકશન હીરો થિયેટરોમાં રિલીઝ થઇ ચુકી છે. પરંતુ આ ફિલ્મ પહેલા જ દિવસે બોક્સ ઓફિસ પર નબળી પુરવાર થઇ છે.
આયુષ્માન ખુરાના અને જયદીપ અહલવાત અભિનિત એન એકશન હીરો ફિલ્મ રિલીઝ થઇ ચુકી છે. આ ફિલ્મની રિલીઝને એક દિવસ થઇ ચુક્યો અને બોક્સ ઓફિસ પર કલેકશન બહુ ઓછુ થયું છે. ફિલમ એ પહેલા જ દિવસે ફક્ત ૧.૩૧ કરોડ રૂપિયાની જ કમાણી કરી છે. જે અપેક્ષા કરતાં બહુ ઓછી રકમ છે. ટ્રેડ નિષ્ણાંતના રિપોર્ટના અનુસાર આ ફિલ્મે નેશનલ ચેઇન્સના થિયેટરોમાં ફક્ત ૮૧ લાખ રૂપિયા જ એકઠા કરી શકી છે. જ્યારે દેશભરના થિયેટરોમાં ફિલ્મે ફક્ત ૧.૩૧ કરોડ રૂપિયાની જ કમાણી કરી શકી છે.
આશ્ચર્યની વાત તો એ છે કે, આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ તેની ટોપ ૧૦ ઓપનર ફિલ્મોની યાદીમાં પણ સામેલ થઇ શકી નથી. એકટરની આ પહેલાની ફિલ્મ બાલા અને ડ્રીમ ગર્લને ૧૦ કરોડ રૂપિયાનું બોક્સઓફિસ પર કલેકશન થયુ ંહતું. આયુષ્માન ફરી એક વખત દર્શકોને થિયેટરની સીટ પર જકડી રાખી શકવામાં નિષ્ફળ રહ્યો છે. ૨૦૨૨ની સાલની આયુષ્માન ખુરાનાની આ ચોથી ફ્લોપ ફિલ્મ છે. આ પહેલા તેની અનેક, ડોકટર જી, ચંદીગઢ કરે આશિકી પણ થિયેટરમાં ખાસ ઉકાળી શકી નથી.