Get The App

પોકેટમારીના આરોપસર બાંગ્લા ફિલ્મ અભિનેત્રીની ધરપકડ, ખૂબ જ ચોંકાવનારી છે સમગ્ર ઘટના

Updated: Mar 13th, 2022

GS TEAM

Google News
Google News
પોકેટમારીના આરોપસર બાંગ્લા ફિલ્મ અભિનેત્રીની ધરપકડ, ખૂબ જ ચોંકાવનારી છે સમગ્ર ઘટના 1 - image


- રૂપા પાસેથી મળી આવેલી ડાયરીમાં તેણે ક્યારે, ક્યાંથી, કેટલા રૂપિયા મેળવ્યા તેનો હિસાબ લખેલો છે

કોલકાતા, તા. 13 માર્ચ 2022, રવિવાર

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. 

સાલ્ટલેક ખાતે ચાલી રહેલા કોલકાતા પુસ્તક મેળા 2022ના પરિસરમાંથી શનિવારે એક મહિલાની પોકેટમારીના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. જાણવા મળ્યા મુજબ તે મહિલાનું નામ રૂપા દત્તા છે અને પુછપરછ દરમિયાન પોલીસને તે મહિલા બાંગ્લા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એક પ્રખ્યાત અભિનેત્રી હોવાનું જાણવા મળ્યું છે. 

અભિનેત્રીના નામ અંગેનો ખુલાસો થયા બાદ પોલીસ એ જાણવા માટે પ્રયત્ન કરી રહી છે કે, ટોલિવુડની આ નાયિકા આખરે કયા કારણસર પુસ્તક મેળામાં પોકેટમારી કરી રહી હતી. પોલીસ સૂત્રોના કહેવા પ્રમાણે શનિવારે પુસ્તક મેળામાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસ અધિકારીને એક મહિલા ડસ્ટબીનમાં બેગ ફેંકતી જોવા મળી હતી. તે સમયે મહિલાને સવાલ કરવામાં આવ્યો કે, તે બેગ શા માટે ફેંકીને જઈ રહી છે તો તે જવાબ નહોતી આપી શકી. બાદમાં શંકા જતા પોલીસે પુછપરછ શરૂ કરી હતી. 

ત્યાર બાદ મહિલા પોલીસને બોલાવાવમાં આવ્યા અને મહિલાના બેગની તલાશી દરમિયાન તેમાંથી અનેક પર્સ અને પૈસા મળી આવ્યા હતા. મહિલા પોતાના પાસે આટલા પર્સ કઈ રીતે આવ્યા તેનો જવાબ આપવામાં અસમર્થ રહી હતી અને આખરે તેણે ગુનો કબૂલ્યો હતો. તેણે કબૂલ્યું હતું કે, તે અલગ અલગ મેળાઓ, મોટા આયોજનો, ભીડવાળી જગ્યાઓએ જતી હતી અને પોકેટમારી કરતી હતી. તેના બેગમાંથી આશરે 75 હજાર રૂપિયા મળી આવ્યા હતા. 

રૂપા પાસેથી મળી આવેલી ડાયરીમાં તેણે ક્યારે, ક્યાંથી, કેટલા રૂપિયા મેળવ્યા તેનો હિસાબ લખેલો છે. જોકે તે આવું કયા કારણથી કરતી હતી તેની તપાસ ચાલુ છે. પોલીસને એવી શંકા છે કે, રૂપા કોઈ મોટી ગેંગનો હિસ્સો છે. 

Tags :