અશ્વત્થામા ફિલ્મ ફરી અટકીઃ અલ્લુ અર્જુનનો પણ ઈનકાર
- અલ્લુ આ ફિલ્મ છોડનારો ત્રીજો હીરો
- આદિપુરુષના ફિયાસ્કા પછી પૌરાણિક ફિલ્મનું જોખમ ઉઠાવવા અલ્લુનો ઈનકાર
મુંબઇ : યામી ગૌતમના પતિ આદિત્ય ધરની ફિલ્મ 'ધી ઈમ્મોર્ટલ્સ ઓફ અશ્વત્થામા'માંથી અગાઉ વિક્કી કૌશલની હકાલપટ્ટી તથા રણવીર સિંહ દ્વારા ઈનકાર પછી હવે અલ્લુ અર્જુને પણ આ ઓફર નકારી કાઢી છે. 'આદિપુરુષ' ફિલ્મનો જે રીતે ફિયાસ્કો થયો તે પછી અલ્લુ અર્જુને કોઈપણ પૌરાણિક ફિલ્મના પ્રોજેક્ટથી દૂર રહેવાનું નક્કી કર્યું છે.
અલ્લુ અર્જુન 'પુષ્પા'ની સફળતા બાદ સ્ક્રિપ્ટની પસંદગી બાબતે સતર્ક થઇ ગયો છે.
તે 'પુષ્પા ટ'ુ ઉપરાંત અન્ય એક રોમાંચક પ્રોજેક્ટ પર વાતચીત કરી રહ્યો છે.તેવું કારણ દર્શાવી તેણે 'અશ્વત્થામા' ફિલ્મ નકારી છે. જોકે, માહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર 'આદિપુરુષ' ફિલ્મ બાબતે જે રીતે વિવાદ થયો તે પછી અલ્લુ અર્જુને કોઈ ધાર્મિક કે પૌરાણિક પ્રોજેક્ટ નહીં સ્વીકારવાનું નક્કી કર્યું છે.
આદિત્ય ધરની આ ફિલ્મ ફરી લટકી છે. ૩૦૦થી ૪૦૦ કરોડનું અંદાજિત બજેટ ધરાવતી આ ફિલ્મને એ સ્કેલની કર્મશિઅલ સકસેસ મળે તે માટે એવા હિરોની જરુર છે જે બોક્સ ઓફિસ રણકાવી શકે. પરંતુ, હવે તેમના માટે હિરોની પસંદગી બહુ મર્યાદિત થતી જાય છે.