અરુણોદય સિંહે શસ્ત્રો ચલાવવાની તાલીમ શરૃ કરી
-અલ્ટ બાલાજીની અપહરણ વેબ સિરિઝ કરવાનો છે
-છેલ્લે ઇરફાન સાથે બ્લેકમેલ ફિલ્મ કરી હતી
મુંબઇ તા.૨૯
હોનહાર અભિનેતા અરુણોદય સિંઘે આગામી વેબ સિરિઝના પોતાના રોલની પૂર્વતૈયારી રૃપે શસ્ત્રો ચલાવવાની તાલીમ લેવાનું શરૃ કર્યું હોવાની માહિતી મળી હતી.
અલ્ટબાલાજી એટલે કે એકતા કપૂર અપહરણ નામે વેબ સિરિઝ બનાવી રહી છે. એમાં અરુણોદય સિંહને મહત્ત્વનો રોલ આપવામાં આવ્યો છે. સિદ્ધાર્થ સેનગુપ્તા નિર્દેશિત આ સિરિઝમાં અરુણોદયને હાલ અપરાધી બની ગયેલા ભૂતપૂર્વ પોલીસ અધિકારીનો રોલ આપવામાં આવ્યો છે અને આ રોલ માટે એણે વિવિધ શસ્ત્રો ચલાવવા પડે એવું છે એટલે ડાયરેક્ટરે એને શસ્ત્રો વાપરવાની તાલીમ લેવાનંુ સૂચવ્યું હતું. આ સૂચનને અનુસરીને હાલ અરુણોદય જુદાં જુદાં શસ્ત્રો વાપરવાની તાલીમ લઇ રહ્યો છે.
એની નિકટનાં સૂત્રોએ કહ્યું કે હાલ અરુણોદય આ સિરિઝ માટે ઋષીકેશમાં શૂટિંગ કરી રહ્યો છે. આ સિરિઝમાં એણે કેટલાક સ્ટંટ દ્રશ્યો પણ કરવાનાં છે એટલે એ એક્શન ઉપરાંત શસ્ત્રો ચલાવવાની તાલીમ પણ ત્યાં લઇ રહ્યો છે. પોતાનો અભિનય સ્વાભાવિક અને સહજ લાગે એ માટે એ પોતાની બોડી લેંગ્વેજ પણ બદલી રહ્યો છે એવુંઆ સૂત્રોએ કહ્યંુ હતું.
અત્યાર પહેલાં સિદ્ધાર્થ સેનગુપ્તા ટેલિવિઝન પર બાલિકા બધૂ અને ગુલાલ જેવી સિરિયલો બનાવી ચૂક્યા છે.