Get The App

અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા

Updated: Jan 27th, 2026

GS TEAM

Google News
Google News
અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા 1 - image


Arijit Singh Retirement: દેશના સૌથી લોકપ્રિય ગાયકો પૈકીના એક અરિજિત સિંહના ચાહકો માટે આધાત જનક સમાચાર સામે આવ્યા છે, વર્ષો સુધી અનેક લોકપ્રિય ગીતો આપ્યા બાદ હવે અરિજિત સિંહે  પ્લેબેક સિંગર તરીકે નિવૃત્તિની જાહેરાત કરી છે.  તેઓ હવે પ્લેબેક વોકલિસ્ટ તરીકે કોઈ નવા અસાઇનમેન્ટ પર સહી કરશે નહીં જો કે તેમણે ચોખવટ કરી છે કે તેઓ મ્યુઝિક સાથે સંકળાયેલા રહેશે તેને બનાવવાનું ચાલુ રાખશે.

સિંગર અરિજિત સિંહે ઈમોશનલ પોસ્ટ શેર કરતાં કહ્યું કે, 'નમસ્તે, સૌને નવા વર્ષની શુભકામનાઓ. આટલા વર્ષો સુધી એક શ્રોતા તરીકે મને આટલો બધો પ્રેમ આપવા બદલ હું આપ સૌનો આભાર માનવા માંગુ છું. મને એ જાહેર કરતા આનંદ થાય છે કે હવેથી હું પ્લેબેક સિંગરતરીકે કોઈ નવા પ્રોજેક્ટ્સ સ્વીકારવાનો નથી. હું આ કામ અહીં જ અટકાવું છું. આ એક અદભૂત સફર હતી.'

અરિજિત ચાલુ પ્રોજેક્ટ પાર પાડશે

'ભગવાન મારા પર ખૂબ દયાળુ રહ્યા છે. હું સારા સંગીતનો ચાહક છું અને ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે ઘણું નવું શીખતો રહીશ અને મારી રીતે કંઈક નવું કરતો રહીશ. તમારા સહકાર બદલ ફરી એકવાર આભાર. મારે હજુ પણ કેટલાક જૂના પ્રોજેક્ટ્સ પૂરા કરવાના બાકી છે, તે હું પૂરા કરીશ. તેથી આ વર્ષે કદાચ મારા કેટલાક ગીતો રિલીઝ થશે. સ્પષ્ટતા ખાતર જણાવી દઉં કે, હું સંગીત બનાવવાનું બંધ નહીં કરું.'

અરિજિત સિંહનો જન્મ પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં આવેલા જિયાગંજ થયો હતો, તેઓ પંજાબી શીખ પરિવારમાંથી આવે છે. હાલમાં જ અરિજિત સિંહનું નવું ગીત રીલીઝ થયું છે જેનું ટાઈટલ માતૃભૂમિ છે, આ ગીત સલમાન ખાનની આવનાર ફિલ્મ 'બેટલ ઓફ ગલવાન'નું છે જેને શ્રેયા ઘોષાલ સાથે મળીને ગાયું છે. અને હિમેશ રેશમિયાએ મ્યુઝિક આપ્યું છે. 

 2025માં પદ્મશ્રી એવોર્ડ મળ્યો

ભારતીય સંગીત જગતમાં પોતાની મખમલી અવાજથી કરોડો દિલો પર રાજ કરનાર ગાયક અરિજિત સિંહની કારકિર્દી કોઈ ફિલ્મી પટકથાથી ઓછી નથી. વર્ષ 2005માં રિયાલિટી શો 'ફેમ ગુરુકુલ' દ્વારા સંગીત ક્ષેત્રે ડગ માંડનાર અરિજિત સિંહે લાંબા સંઘર્ષ બાદ વર્ષ 2011માં ફિલ્મ 'મર્ડર-2' ના ગીત 'ફિર મોહબ્બત' થી હિન્દી સિનેમામાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી. 'તુમ હી હો', 'બિન્તે દિલ' અને 'કેસરિયા' જેવા સુપરહિટ ગીતો આપીને તેમણે પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સંગીત ક્ષેત્રે તેમના અતુલ્ય યોગદાન બદલ તેમને અત્યાર સુધીમાં બે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ મળી ચૂક્યા છે. ગાયકની આ શાનદાર સફરમાં વધુ એક યશકલગી ત્યારે ઉમેરાઈ હતી જ્યારે ભારત સરકાર દ્વારા વર્ષ 2025માં તેમને પ્રતિષ્ઠિત 'પદ્મશ્રી' એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા


અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા 2 - image