- મ્યુઝિક ક્રિએટ કરશે પણ નવાં ગીતો નહિ ગાય
- નિર્ણય પાછો ખેંચવા ચાહકોની કાકલૂદી, કેટલાકે કહ્યું ઓછાં ગીતો ગાજે પણ ગાવાનું ચાલુ રાખજે
મુંબઈ : બોલિવુડના હાલની પેઢીના ગાયકોમાંથી સૌથી લોકપ્રિય અરિજિતસિંઘે આજે સિંગિંગમાંથી નિવૃત્તિની જાહેરાત કરતાં તેના લાખો ચાહકો શોકમાં ગરકાવ થઈ ગયા હતા. અરિજિતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા આ જાહેરાત કરી હતી.
અરિજિતે પોતાની પોસ્ટના પ્રારંભમાં લોકોનેે નવાં વર્ષની શુભેચ્છા પાઠવી હતી અને અત્યાર સુધી વરસાવેલી અસીમ ચાહના બદલ આભાર માન્યો હતો. બાદમાં તેણ લખ્યું હતું કે હવે પછી હું પ્લેબેક સિંગર તરીકે કોઈ નવાં એસાઈનમેન્ટ લેવાનો નથી. હું નિવૃત્ત થઈ રહ્યો છું. અત્યાર સુધીની આ સફર બહુ મજેદાર રહી છે.
અન્ય એક પ્લેટફોર્મ પર એકથી વધુ પોસ્ટ કરતાં અરિજિતે લખ્યું હતું કે ઈશ્વર મારા માટે બહુ કૃપાળુ રહ્યો છું. હું સારાં સંગીતનો ચાહક છું. ભવિષ્યમાં એક નાના કલાકાર તરીકે વધારેને વધારે શીખવાની તમન્ના સેવું છું. અરિજિતે જોકે, સ્પષ્ટતા કરી હતી કે હું સંગીત સર્જવાનું ચાલુ રાખીશ. એક ચાહકે તેને આ ગેરવાજબી નિર્ણય વિશે સ્પષ્ટતા કરવાનું કહેતાં તેણે આમાં ગેરવાજબી શું છે તેમ કહી લાફિંગ ઈમોજી મૂક્યું હતું.
અરિજિતે અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે મારે હજુ કેટલાંક પેન્ડિંગ અસાઈનમેન્ટ પૂરાં કરવાનાં બાકી છે. હજુ આ વર્ષે તમને મારાં ઘણાં ગીતો સાંભળવા મળશે.
ચાહકોએ આ પોસ્ટ વિશે આઘાત વ્યક્ત કરતાં કહ્યું હતું કે આ તો વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાંથી સન્યાસ લઈ રહ્યો હોય તેવી જાહેરાત છે. અન્ય એક ચાહકે લખ્યું હતું કે તે હવે સંગીતકાર તરીકે સક્રિય રહેશે પરંતુ હવે તેની પાસેથી નવાં ગીતો નહિ સાંભળવા મળે. મોટાભાગના ચાહકોએ અરિજિતિને આ નિર્ણય બદલવા અપીલ કરી હતી. કેટલાકે તેને લખ્યું હતું કે ભલે તું હવે ઓછાં ગીત ગાજે પરંતુ ગાવાનું ચાલુ જ રાખજે. કેટલાકે લખ્યું હતું કે આ મેસેજ ફેક હોય તો બહુ સારું. કોઈ કહી દો કે આ સાવ ફેક મેસેજ છે.
અરિજિતે ૨૦૧૧થી હિન્દી ફિલ્મોમાં ગાવાનું શરુ કર્યું હતું. વિતેલા દાયકામાં તેણે અનેક સુપરહિટ ગીતો આપ્યાં છે. ગયાં વર્ષે તેને પદ્મશ્રી સન્માન પણ અપાયું હતું.


