પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત 4 સ્ટાર્સને EDનું તેડું, પૂછપરછ માટે બોલાવ્યા: જાણો શું છે સમગ્ર મામલો
Betting Apps Promotion Case : પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી સહિત અનેક સ્ટાર્સની મુશ્કેલી વધી શકે છે. થોડા સમય પહેલા 29 જેટલાં સ્ટાર્સની વિરુદ્ધમાં મની લોન્ડ્રિંગનો કેસ નોંધાયો હતો. જ્યારે હવે સાઈબરાબાદ પોલીસની FIRના આધારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કાર્યવાહી તેજ કરી છે, ત્યારે EDએ પ્રકાશ રાજ, વિજય દેવરકોંડા સહિત 4 સ્ટાર્સને પૂછપરછ માટે બોલાવ્યા છે. જાણો શું છે સમગ્ર મામલો.
ઓનલાઈન બેટિંગ એપથી સંકળાયેલા કેસ મામલે પ્રકાશ રાજ, રાણા દગ્ગુબાતી, વિજય દેવરકોંડા અને લક્ષ્મી માંચૂને EDએ સમન્સ મોકલવામાં છે. તમામને નિશ્ચિત તારીખે ED સમક્ષ હાજર થવાનું રહેશે. જેમાં રાણા દગ્ગુબાતીને 23 જુલાઈ, પ્રકાશ રાજને 30 જુલાઈ, વિજય દેવરકોંડાને 6 ઑગસ્ટ અને માંચૂને 13 ઑગસ્ટના રોજ ED સમક્ષ હાજર થવા જણાવ્યું છે.
29 સ્ટાર્સ વિરુદ્ધમાં મની લોન્ડ્રિંગનો કેસ
આ સ્ટાર્સ પર ગેરકાયદે સટ્ટાબાજી એપના પ્રમોશન કરવાનો આરોપ લગાવામાં આવ્યો છે. સાઈબરાબાદ પોલીસની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી રહી છે. 29 સ્ટાર્સમાં નિધિ અગ્રવાલ, પ્રણીતા સુભાષ, અનન્યા નાગલ્લા, અંકર શ્રીમુખી, યૂટ્યૂબર હર્ષા સાઈ, બય્યા સની યાદવ અને લોકલ બોય નાની જેવા સ્ટાર્સનો સમાવેશ થાય છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે, સ્ટાર્સ દ્વારા પ્રમોશન કરાયેલી એપ્લિકેશન યુવાનોને જલ્દી પૈસા કમાવવાની લાલચ આપે છે, જેનાથી યુવાનો આર્થિક સંકળામણમાં આવી જાય છે. બેટિંગ એપ્સ દ્વારા હજારો કરોડ રૂપિયાના ટ્રાન્જેક્શન થયા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આ મામલે ED સ્ટાર્સની પૂછપરછ કરીને જાણવાની કોશિશ કરી રહી છે કે, તેમણે કેટલા પૈસામાં પ્રમોશન કર્યું અને તેમને પૈસા કઈ રીતે મળ્યા ને ટેક્સ ડિટેઈલ્સ શું છે.
મિયાપુરના એક ઉદ્યોગપતિ ફણીન્દ્ર શર્માની ફરિયાદ બાદ આ મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેમણે સ્ટાર્સ પર યુવાનોને સટ્ટાબાજીની એપ્સ તરફ આકર્ષિત કરવાનો આરોપ લગાવ્યો હતો. પોતાની ફરિયાદમાં તેમણે આના કારણે મધ્યમ વર્ગના પરિવારોને થતાં આર્થિક નુકસાન પર ભાર મૂક્યો હતો. ત્યારબાદ આ વર્ષે 19 માર્ચે સાઈબરાબાદમાં ઘણા સ્ટાર્સ વિરુદ્ધ FIR નોંધાઈ હતી.