અનુપમ ખેર, નીના ગુપ્તા તથા અન્ય સિતારાઓ રંગભૂમિના સ્ટાફ માટે ભંડોળ ભેગુ કરશે
- આ માટે તેઓ એક ફાઉન્ડેશન સાથે જોડાયા
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 18 જૂન 2020, ગુરુવાર
અનુપમ ખેર, નીના ગુપ્તા, રાકેશ બેદી અને મકરંદ દેશપાંડે અનાટયગૃહના કર્મચારીઓ અને ટેકનિશિયનોની મદદ માટે એક ભંડોળ ભેગુ કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ માટે તેમણે ગેટ ઇન્ડિયા સાથે ભાગીદારી કરી છે જે કોરોના રોગચાળાને કારણે થયેલા લોકડાઉનમાં બેરોજગાર બન્યા છે.
અનુપમ ખેર, નીના ગુપ્તા, રાકેશ બેદીની સાથે દિવ્યા દત્તા,અહાના કુમરા અને શિખા તલસાનિયાએ એક અભિયાન વીડિયોમાં ફીચર કર્યું છે, જેમાં તેઓ થિયેટરના લોકો વિશે વાતો કરશે. આ અભિયાનના શરૂઆતનો હેતુ બેરોજગાર લોકોને મદદ કરવાનો છે, આવનારા દિવસોમાં તેમની મુશ્કેલીઓ વધવાની શક્યતા છે.
આ અભિયાનની રચનાત્મક અધિકારી શૈલજાએ જણાવ્યું હતું કે, અમને આ સદકાર્યમાં સેલિબ્રિટિઓનું સમર્થન મળ્યું છે. ઉદારતાપૂર્વક કરેલું દાન તેમની મુશ્કેલીઓને ઘટાડવામાં મદદ કરશે.
અનુપમ ખેરને થિયેટર સાથે લગાવ છે અને તેણે કહ્યું હતું કે, કોઇ પણ નાટક ટેકનિશિયનો અને કર્મચારીઓની મદદ અને ઉપસ્થિતિ વગર પૂરું થઇ શકે નહીં. તે લોકો અમારા માટે મહત્વના છે. તેથી હું દરેકને નિવેદન કરું છું કે ઉદારતાથી દાન કરો.
નીના ગુપ્તાએ કહ્યું હતું કે, થિયેટરો હાલ ખુલે તેવી કોઇ શક્યતા દેખાતી નથી. તેથી ત્યાંના કર્મચારીઓ અન ેટેકનિશિયનો ચિંતિત અને અસહાય છે. આ અભિયાનના માધ્યમથી અમે દેશભરના લોકો સુધી પહોંચવા માંગીએ છીએ અને લોકોને દાન કરવાની વિનંતી કરીએ છીએ.
વીડિયોમાં અભિનેતા-ગીતકાર અમિતોષ નાગપાલ દ્વારા લખાયેલી એક કવિતા પણ છે, જેમાં ઉદ્યોગ જગતના સંપની ભાવનાની વચ્ચે સંઘર્ષને હવાલાતમાં બંધ કરવાની વાત કરવામાં આવી છે.