અમિતાભે અનેક બ્લેન્ક પોસ્ટ બાદ હવે લાંબો બ્લોગ પોસ્ટ કર્યો
- પહલગામ એટેક બાદ બ્લેન્ક પોસ્ટસની ટીકા થઈ હતી
- આતંકીઓને રાક્ષસ તરીકે ગણાવ્યા, જોકે લોકોએ આ પોસ્ટની પણ ટીકા કરી
મુંબઈ: પહલગામ એટેક થયો તે પછી અમિતાભે એક્સ પ્લેટફોર્મ પર કોઈ શાબ્દિક પ્રત્યાઘાત આપવાને બદલે માત્ર ટ્વીટ નંબર લખી પોસ્ટ બ્લેન્ક રાખવાનું શરુ કર્યું હતું. તેની આ બ્લેન્ક પોસ્ટસના કારણે શરુઆતમાં ભારે કૂતુહલ સર્જાયું હતું. પરંતુ બાદમાં ધીમે ધીમે અમિતાભ જેવા સુપરસ્ટાર દ્વારા પહલાગમ એટેક અને ત્યારપછીની ઘટનાઓ અંગે મૌનની ટીકાઓ થઈ હતી.
આખરે સીઝફાયર બાદ અમિતાભે પોતાનું મૌન તોડી એક લાંબો લચક બ્લોગ પોસ્ટ કર્યો છે.
અમિતાભે પહલગામ એટેકમાં પર્યટક પર હુમલાની વિગતો બાદ તે અંગે ભારે આક્રોશ વ્યક્ત કર્યો છે અને આતંકીઓને રાક્ષસ સમાન ગણાવ્યા છે. બાદમાં તેણે ઓપરેશન સિંદૂરનો ઉલ્લેખ કરી સૈન્યના જુસ્સા તથા સાહસને બિરદાવ્યાં છે.
જોકે, તેની આ લાંબી પોસ્ટ પણ અનેક નેટયૂઝર્સને પસંદ પડી ન હતી. તેમણે જણાવ્યું હતું કે દેેશના મહાનાયક પાસેથી પહલગામ એટેકના પહેલા જ દિવસથી દેશના આક્રોશને વાચા અપાય તેવી અપેક્ષા હતી.
ઓપરેશન સિંદૂર વખતે પાકના નાપાક કૃત્યોને તે કડક રીતે વખોડશે અને સૈન્યને સપોર્ટ જાહેર કરશે તેવી અપેક્ષા હતી પરંતુ તેને બદલે અમિતાભે મૌન રહેવાનું પસંદ કર્યું હતું.