અમિતાભ બચ્ચન અને આમિર ખાનની રોલ્સ રોયસ પર 38 લાખ રૂપિયાનો દંડ ! KGF કનેક્શન આવ્યું સામે
Amitabh Bachchan And Amir Khan Rolls Royce Cars Fined : બેંગલુરુમાં અમિતાભ બચ્ચન અને આમિર ખાનના નામે રજિસ્ટર્ડ બે રોલ્સ રોયસ કાર પર કુલ રૂપિયા 38.26 લાખનો મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે KGF કનેક્શનનો પણ ખુલાસો થયો છે. આ રોલ્સ રોયસ કારો બોલિવૂડ સ્ટાર્સની નથી, પરંતુ તે કર્ણાટકના જાણીતા બિઝનેસમેન અને રાજકારણી યુસુફ શરીફ ઉર્ફે KGF બાબુની છે. તેમણે આ કારો બચ્ચન અને આમિર પાસેથી થોડા વર્ષો પહેલા ખરીદી હતી, પરંતુ કાગળ પર તેમની માલિકી પોતાના નામે ટ્રાન્સફર કરાવી ન હતી.
બંને કાર મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનવાળી
આ કારો મહારાષ્ટ્ર રજિસ્ટ્રેશનવાળી હતી અને છેલ્લા કેટલાક સમયથી કર્ણાટકમાં ચલાવવામાં આવી રહી હતી. નિયમ મુજબ એક વર્ષથી વધુ સમય સુધી બીજા રાજ્યની કાર કર્ણાટકમાં ચલાવવામાં આવે તો સ્થાનિક રોડ ટેક્સ ચૂકવવો પડે છે, જે ભરવામાં આવ્યો ન હતો. આ જ કારણોસર બેંગલુરુ પોલીસે દંડ ફટકાર્યો છે.
ખરીદનારે બચ્ચન-આમિર પાસેથી કાર ખરીદી, પણ નામ ટ્રાન્સફર ન કરાવ્યું
અમિતાભ બચ્ચનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ ફેન્ટમ પર રૂપિયા 18.53 લાખનો દંડ અને આમિર ખાનના નામે રજિસ્ટર્ડ રોલ્સ રોયસ ઘોસ્ટ પર રૂપિયા 19.73 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ મામલે અમિતાભ બચ્ચન અને આમિર ખાનને માત્ર 'નામ'ના કારણે જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે કાગળો પર કાર હજુ પણ તેમના નામે હતી. જોકે, વાસ્તવિક માલિક યુસુફ શરીફ છે.
આ પણ વાંચો : 'મેડે...', અમદાવાદમાં મોટી દુર્ઘટના ટળી, ફ્લાઈટના એન્જિનમાં લાગી અચાનક આગ