ગાંડો ઠેરવ્યો હોવાના ફૈઝલના આરોપો આમિરના પરિવારે ફગાવ્યા
- પોતાને ઘરમાં પૂરી રાખ્યાનો ફૈઝલનો આરોપ
- આમિર અને તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ, ભાઈ-બહેને સંયુક્ત સ્પષ્ટતા પ્રગટ કરી
મુંબઇ : આમિર ખાનના ભાઈ ફૈઝલ ખાને હાલમાં એવા આરોપો કર્યા હતા કે પરિવારજનોએ તેને પાગલ, સમાજ માટે ભયજનક અને સ્કિઝોફેનિક ગણાવી એક વર્ષ સુધી ઘરમાં પૂરી રાખ્યો હતો. સમગ્ર પરિવારે એકઠા થઈ તેને માનસિક અસ્થિર હોવાનું ઠસાવવા પ્રયાસ કર્યો હતો. હવે આમિરના પરિવારે આ તમામ આરોપો ફગાવી દીધા છે.
આમિર, તેની બંને ભૂતપૂર્વ પત્નીઓ રીના તથા કિરણ, ભાઈ મન્સુર તથા બહેનો તથા તેનાં સંતાનોની સંયુક્ત સહીથી પ્રગટ કરાયેલી સ્પષ્ટતામાં આ તમામ આરોપો ફગાવી દેવાયા છે. તેમણે જણાવ્યું છે કે ફૈસલે અમારી માતા ઝિન્નત , બહેન નિખત તથા આમિર વિશે જણાવેલી તમામ વાતો બેબુનિયાદ, ભ્રામક અને અમારા સૌ માટે પીડાદાયક છે. ભૂતકાળમાં પણ અમે આ બાબતે સ્પષ્ટતા કરી ચૂક્યા છીએ. જે તે સમયે સમગ્ર પરિવારે તબીબી પ્રોફેશનલ્સની સલાહ અનુસાર ફૈઝલ વિશે નિર્ણયો લેવાયા હતા જે ફૈઝલના હિતમાં હતાં. તેને સારું થાય તેવો અમારો સારો ઈરાદો હતો. આમિરના પરિવારે ફૈઝલના નિવેદનો અંગે ગોસિપ નહીં કરવા સૌને વિનંતી કરી છે. આમિરનો ભાઈ ફૈઝલ વર્ષો અગાઉ ડિપ્રેશનનો ભોગ બન્યો હોવાનું કહેવાય છે.
તેના અને બાકીના સમગ્ર પરિવાર વચ્ચેના વિવાદો અગાઉ પણ સપાટી પર આવી ચૂક્યા છે.