આલિયા ભટ્ટે કપૂર પરિવારના તમામ સભ્યોને પાછળ છોડયા
સાડા પાંચસો કરોડની આસામી
- આલિયા અભિનય અને જાહેરાતના બળે કરીના અને રણબીર કપૂર કરતા પણ આગળ નીકળી
મુંબઈ : અનેક બ્લોકબસ્ટરો અને વિવેચકો દ્વારા પ્રશંસિત ફિલ્મો રજૂ કરીને કપૂર ખાનદાન લગભગ એક સૈકાથી બોલીવૂડમાં પ્રભાવશાળી પરિબળ રહ્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોથી કપૂર પરિવારના સભ્યોએ વિશાળ સંપત્તિ એકત્ર કરી છે, પણ તેમાં આલિયા ભટ્ટ સૌથી અમીર કપૂર તરીકે ઊભરી આવી છે.
રણબીર કપૂર સાથે લગ્ન કરીને આલિયા કપૂર ખાનદાનનો હિસ્સો બની અને હવે તેણે પોતાની નણંદ કરીના કપૂરની પાંચસો કરોડ તેમજ પતિ રણબીર કપૂરની સાડા ત્રણસો કરોડની સંપત્તિથી આગળ નીકળીને સાડા પાંચસો કરોડ સાથે સૌથી ધનવાન કપૂર બની છે.આલિયા ભટ્ટ આજની તારીખમાં તેની પેઢીની અભિનેત્રીઓ પૈકી સૌથી ડીમાન્ડમાં રહી છે અને અહેવાલ મુજબ તે પ્રતિ ફિલ્મ પંદર કરોડ તેમજ પ્રતિ એન્ડોર્સમેન્ટ નવ કરોડ ચાર્જ કરે છે. ઉપરાંત આલિયા ચાલાક ઉદ્યોગ સાહસિક પણ સાબિત થઈ છે અને કપડાની લોકપ્રિય બ્રાન્ડ એડ-એ-મામાની માલિક બની છે. ૨૦૨૩માં રિલાયન્સ રિટેલ વેન્ચર્સએ આ બ્રાન્ડમાં રૃા. ૧૫૦ કરોડના મૂલ્યનો ૫૧ ટકા હિસ્સો ખરીદ્યો હતો જેની હાલ કિંમત ત્રણસો કરોડથી વધુ થાય છે.
સફળ ફિલ્મી કારકિર્દી સાથે લોકપ્રિય બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ અને વેપારી સાહસો સાથે સંતુલન જાળવવાની ક્ષમતાને કારણે આલિયા ટોચની અભિનેત્રી ઉપરાંત ભારતીય મનોરંજન ઉદ્યોગમાં સૌથી સમૃદ્ધ અને પ્રભાવશાળી હસ્તી બની છે.