અજયની ધમાલ-4 અને યશની ટોક્સિક બોક્સ ઓફિસ પર ટકરાશે
- બંને ફિલ્મો આવતાં વર્ષે ઈદ પર રીલિઝ કરાશે
- બંને ફિલ્મ ટિકિટબારી પર એકબીજાને થોડું નુકસાન પહોંચાડે તેવી શક્યતા
મુંબઈ: અજય દેવગણ સહિતના કલાકારોની 'ધમાલ ફોર' અને યશની 'ટોક્સિક' આવતાં વર્ષની ઈદ વખતે બોક્સ ઓફિસ પર ટકરાશે. બંને ફિલ્મોનું ઓડિયન્સ અલગ અલગ છે પરંતુ તેમ છતાં બંને ફિલ્મ ટિકિટબારી પર એકબીજાને થોડું નુકસાન પહોંચાડશે એમ મનાઈ રહ્યું છે.
'ધમાલ ફોર'માં અજય દેવગણ ઉપરાંત રિતેશ દેશમુખ, અર્શદ વરસી, જાવેદ જાફરી, રવિ કિશન સહિતના કલાકારો છે.
બીજી તરફ યશની 'ટોક્સિક'માં કિયારા અડવાણી તેની હિરોઈન છે. આ ઉપરાંત નયનતારા પણ મહત્વની ભૂમિકામાં છે.
ટ્રેડ વર્તુળોએ જણાવ્યું હતું કે 'ધમાલ ફોર' સંપૂર્ણપણે કોમેડી ફિલ્મ હોવાથી તેનો અલગ જ દર્શક વર્ગ છે. આ ઉપરાંત તેને આગલી ફ્રેન્ચાઈઝીની ગુડવિલનો પણ લાભ મળે તેમ છે. પરંતુ એ હકીકત પણ નકારી શકાય તેમ નથી કે 'કેજીએફ' પછી યશનો એક અલાયદો ચાહક વર્ગ હિન્દી બેલ્ટમાં ક્રિએટ થઈ ચૂક્યો છે અને તેઓ 'ધમાલ ફોર'ની સરખામણીએ 'ટોક્સિક'ને પ્રાધાન્ય આપે તેવી સંભાવના છે.