અજય દેવગણની સન ઓફ સરદાર ટુને સ્ક્રીનના ફાંફા
- કરણ જોહરે મોટાભાગની સ્ક્રીન કબ્જે કરી લીધી
- થિયેટર માલિકો સૈયારા અને મહાવતાર નરસિંહા ઉતારવા તૈયાર નથી
મુંબઇ : અજય દેવગણની 'સન ઓફ સરદાર ટુ'ને પૂરતી થિયેટર સ્ક્રીન મેળવવાના ફાંફા થઈ ગયા છે. આ ફિલ્મ અને કરણ જોહરના પ્રોડક્શનની સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ભૂમિકા ધરાવતી 'ધડક ટૂ' એક જ દિવસે રીલિઝ થઈ રહી છે. કરણ જોહરે રાબેતા મુજબ મોટાભાગની સ્ક્રીન બૂક કરી લેતાં અજય દેવગણની પરેશાની વધી ગઈ છે.
અજય દેવગણે ખાસ કરીને સિંગલ સ્ક્રીન્સ તથા નોન નેશનલ મલ્ટીપ્લેક્સ માલિકો પાસેથી પોતાને ૬૦ ટકા શો ફાળવવા માગણી કરી છે. પરંતુ, થિયેટર સંચાલકો તેને ૩૦થી ૩૫ ટકા શોથી વધારે ફાળવવા તૈયાર નથી.
આ ઉપરાંત 'સૈયારા ' તથા સાઉથની 'મહાઅવતાર નરસિંહા' જેવી ફિલ્મો ધાર્યા કરતાં સારી ચાલી રહી છે. આથી, થિયેટર માલિકો આ બંને ફિલ્મોને સ્ક્રીન પરથી ખસેડવા તૈયાર નથી.
'સન ઓફ સરદાર ટુ'ને સેન્સર સર્ટિફિકેટ મળી ગયું છે પરંતુ હવે સ્ક્રીન બૂકિંગની કશ્મકશમાં ફિલ્મ ફસાઈ છે.
ફિલ્મમાં અજય દેવગણ સાથે મૃણાલ ઠાકુર અને રવિ કિશન સહિતના કલાકારો છે.