અજય દેવગણની દ્રશ્યમ- 3ની સત્તાવાર ઘોષણા
- પ્રોડક્શન કંપનીએ સ્ટોક એક્સચેન્જને જાણ કરી
- અભિષેક પાઠકના દિગ્દર્શનમાં બનનારી આ ફિલ્મ ૨૦૨૬માં રીલિઝ થાય તેવી શક્યતા
મુંબઇ: અજય દેવગણની હિટ ફ્રેન્ચાઈઝી 'દ્રશ્યમ થ્રી'ની સત્તાવાર ઘોષણા કરવામાં આવી છે. ફિલ્મની પ્રોડક્શન કંપનીએ બોમ્બે સ્ટોક એક્સચેન્જને આ બાબતે માહિતી આપી છે.
ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગણ જ રહેશે. ફિલ્મના બીજા ભાગમાં અક્ષય ખન્નાની પણ એન્ટ્રી થઈ હતી. જોકે, ત્રીજા ભાગમાં કયા કયા કલાકારો હશે તે હાલના તબક્કે સ્પષ્ટ કરાયું નથી. ઉલ્લેખનીય છે કે 'દ્રશ્યમ' મૂળ મલયાલમમાં બની હતી અને પીઢ અભિનેતા મોહનલાલે તેમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. હવે મોહનલાલ પણ 'દ્રશ્યમ થ્રી' બનાવવાની જાહેરાત કરી ચૂક્યા છે. એક તબક્કે એવી પણ ચર્ચા હતી કે અજય દેવગણની 'દ્રશ્યમ થ્રી'નાં કમર્શિઅલ હિતોને નુકસાન ન થાય તે માટે મોહનલાલ અને અજય દેવગણ બંને એક જ સમયે ફિલ્મનું શૂટિંગ કરી સાથે સાથે રીલિઝ કરશે. બાદમાં જોકે એવી વાત બહાર આવી હતી કે મોહનલાલ આ ફિલ્મ મલયાલમ અને હિન્દી બંનેમાં સાથે બનાવશે.