અજય દેવગણ, રણબીરની ફિલ્મ 7 વર્ષ પછી રિવાઈવ થશે
- લવ રંજને નવેસરથી સ્ક્રિપ્ટ લખવા માંડી
- જોકે રણબીરનું બિઝી શિડયૂલ જોતાં તે તારીખો આપી શકશે કે કેમ તે અંગે શંકાકુશંકા
મુંબઈ: રણબીર કપૂર અને અજય દેવગણને સાથે લઈ એક ફિલ્મ બનાવવાની જાહેરાત લવ રંજને ૨૦૧૮માં કરી હતી. આ ફિલ્મ જોકે, તે પછી ક્યારેય આગળ વધી ન હતી. હવે લવ રંજને આ પ્રોજેક્ટ ફરી રિવાઈવ કર્યો છે પરંતુ તેમાં રણબીર કપૂર કામ કરી શકશે કે કેમ તે અંગે શંકા સેવાય છે.
લવ રંજને જાહેર કરેલાં મૂળ શિડયૂલ પ્રમાણે ફિલ્મ ૨૦૧૯માં ફલોર પર જવાની હતી. ૨૦૨૦માં તે રીલિઝ કરવાનું પ્લાનિંગ હતું. જોકે, કોઈને કોઈ કારણોસર ફિલ્મ ઠેલાતી રહી હતી.
હવે લવ રંજને આ ફિલ્મ ફરી હાથ ધરવા માટે સ્ક્રિપ્ટમાં અનેક સુધારાવધારા કરવા માંડયાં છે. આ એકશન ફિલ્મમાં બે હિરોની જ વાર્તા રહેશે અને અજય દેવગણે તો પોતે આ ફિલ્મ કરવા માટે તૈયાર હોવાનું જણાવી દીધું છે. પરંતુ, રણબીર કપૂરનું આગામી બે-ત્રણ વર્ષનું શૂટિંગ શિડયૂલ ભરચક છે.
તે જોતાં તેની અને અજયની તારીખોનો મેળ ખાય તેવી સંભાવના ઓછી છે. આ સંજોગોમાં લવ રંજન અજય દેવગણ સાથે કોલબરેશન માટે નવા હિરોની શોધ કરે તેવી સંભાવના છે.