અજય દેવગણે હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડરસ અને વેન્ટિલેટરના ડોનેટ કર્યા
- આ હોસ્પિટલ મુંબઇના ધારાવીમાં 15 દિવસમાં તૈયાર કરવામાં આવી અને 1 જુનથી ખુલ્લી મુકાઇ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.01 જૂન 2020, સોમવાર
એકશન હીરો તરીકે જાણીતો અજય દેવગણ કોવિડ-૧૯માં દરિયાદિલીથી દાન કરી રહ્યો છે. તેણે એક હોસ્પિટલ માટે ઓક્સિજન સિલિન્ડર અને પોર્ટેબલ વેન્ટિલેન્ટરના દામ આપ્યા છે. જોકે તેની કિંમત જણાવાનો હોસ્પિટલના અધિકારીએ ઇનકાર કર્યો હતો.
બૃહદ મુંબઇ પાલિકાએ સોમવારે મુંબઇના ધારાવીમાં ૨૦૦ બિછાના વાળી હોસ્પિટલ ૧૫ દિવસમાં જ તૈયાર કરી હતી. આ હોસ્પિટલ ૪,૦૦૦ સ્કેવર મીટરમાં તૈયાર કરવામાં આવી હતી. આ એક બિનઉપયોગી પ્લોટ હતો જેના પર કોવિડ ૧૯ના દરદીઓ માટે હોસ્પિટલ બાંધવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ જગ્યા મહારાષ્ટ્ર નેચર પાર્કના પાર્કિંગ માટે રિઝવર્ડ રાખવામાં આવી હતી. જોકે આ હોસ્પિટલમાં વધુ ગંભીર દરદીઓને દાખલ કરવામાં આવશે નહીં.
આ હોસ્પિટલનું કામ શરૂ થતાં જ અજય દેવગણે પોતે આમાં શું મદદ કરી શકે તેવી પૃચ્છા કરી હતી. ત્યારે સિવિક ઓફિસરે તેને ૨૦૦ બીછાના માટે ઓક્સિજન સિલિન્ડર અને બે પોર્ટેબલ વેન્ટિલેટરની જરૂરિયાત હોવાનું કહ્યું હતું અને અજયે આના પૈસા ચુકવાની તૈયારી દાખવી હતી.
આ હોસ્પિટલમાં ૪ ડોકટરો, ૧૨ નર્સો અને ૨૦ વોર્ડ રાખવામાં આવ્યા છે. ડોકટરો માટે એક અલગ રૂમ પણ રાખવામાં આવ્યો છે. દરેક પેશન્ટ માટે અલગ અલગ વોશરૂમની સગવડ રાખવામાં આવી છે.
ધારાવીની નજીકમાં જ અન્ય એક આઇસોલેશન સેન્ટર રાજીવ ગાંધી સ્પોર્ટસ કોમ્પલેક્ષમાં આવેલું છે. આ હોસ્પિટલ તેનાથી થોડા જ અંતરે આવેલી છે. તેથી હવે ધારાવીના દરદીઓને તાત્કાલિક સારવાર મળશે અને ધારાવીમાં કોરોનાની સમસ્યાને નાથી શકાશે.