સુશાંતના ફ્લેટમાં અઢી વર્ષ બાદ હવે કોઈ પરિવાર રહેવા આવશે
- ગોઝારી પ્રોપર્ટી હોવાથી ઈન્ક્વાયરી પણ બંધ હતી
- વિદેશ રહેતા મકાનમાલિકે ફ્લેટ મુકી રાખ્યો હતો, હવે ભાડું વધારીને મહિને પાંચ લાખ કર્યું
મુંબઈ : અભિનેતા સુશાંત સિંહ રાજપૂત જે ફલેટમાં રહેતો હતો તે તેના મોત બાદ અઢી વર્ષથી ખાલી જ હતો. જોકે, હવે આખરે આ ફ્લેટને એક પરિવારે ભાડે રાખ્યો હોવાનું જાણવા મળે છે.
બાન્દ્રાના કાર્ટર રોડ પર આવેલા સી ફેસિંગ ફ્લેટમાં સુશાંત ડિસેમ્બર ૨૦૧૯માં રહેવા ગયો હતો. જોકે, જુન ૨૦૧૯માં તેણે આત્મહત્યા કરી લીધી હતી. તે પછી આ ફલેટ ખાલી જ પડયો હતો. રિયલ એસ્ટેટના વર્તુળોમાં તેની કોઈ ઈન્ક્વાયરી પણ થતી ન હતી. ગ્રાહકો આ ફ્લેટની મુલાકાત લેવાનું પણ ટાળતા હતા. સુશાંતના મોત અંગે સર્જાયેલા વિવાદને લીધે તેને ગોઝારી પ્રોપર્ટીનો સિક્કો લાગી ગયો હતો.
જોકે, વિદેશ રહેતા મકાન માલિકે ફલેટ સસ્તામાં વેચી દેવાને બદલે મુકી રાખ્યો હતો. આખરે તેમની પ્રતીક્ષાનો અંત આવી ગયો છે. હવે આ ફોર બેડરુમ ફલેટ એક પરિવાર ભાડે લઈ રહ્યો છે. સુશાંત સાડા ચાર લાખ રુપિયા ભાડું આપતો હતો પરંતુ નવા ભાડૂઆત પાંચ લાખ રુપિયા ભાડું આપશે. છ ભાડાંની રકમ એટલે કે ૩૦ લાખ રુપિયા સિક્યોરિટી ડિપોઝીટ પેટે લેવામાં આવશે.