બાર દિવસ પછી કેસરી-ટુ 100 કરોડના આંકડા નજીક પહોંચી
- અક્ષય કુમારનો જાદુ ફરી ચાલી ગયો, જાટ - ગ્રાઉન્ડ ઝીરોને પાછળ રાખી
મુંબઈ : અક્ષય કુમારની કેસરી ચેપ્ટર ટુએ બોક્સ ઓફિસ પર પોતાની ગતિ જાળવી રાખી છે, ખાસ કરીને આડા દિવસોમાં પણ બોક્સ ઓફિસ કલેક્શનમાં કમી નથી આવી. ભારતમાં સિત્તેર કરોડનો આંકડો વટાવ્યા પછી બીજા અઠવાડિયામાં પણ ફિલ્મનો બોક્સ ઓફિસ પરફોર્મન્સ સારો રહ્યો છે.
કરણ સિંહ દિગ્દર્શિત જલિયાંવાલા બાગ હત્યાકાંડ સંબંધિત કેસરી ચેપ્ટર ટુ થિયેટરોમાં સૌથી વધુ જોવામાં આવતી ફિલ્મ બની છે અને તેણે જાટ, ગ્રાઉન્ડ ઝીરો અને ફુલેને પાછળ રાખી દીધા છે.
કેસરી ટુની અપીલ ખાસ કરીને ઉત્તર ભારતમાં વધુ જોવા મળી છે જ્યાં ફિલ્મ શોકને સંકલ્પમાં પરિવર્તિત કરતા પોતાના ભાવનાત્મક વર્ણન દ્વારા દર્શકોને પ્રભાવિત કરી રહી છે. વિશેષમાં ૧૯૧૯ના આ હત્યાકાંડ માટે બ્રિટિશ તરફથી માફીની લાંબા સમયથી માગણીને પણ ઉજાગર કરવામાં આવી છે.
અજય દેવગણની રેડ ટુની રજૂઆત અગાઉ કોઈપણ અવરોધ વિનાના વધુ બે દિવસ બાકી હોવાથી કેસરી ચેપ્ટર ટુ પાસે તેનું કલેક્શન મહત્તમ કરવાની ટૂંકી મુદત છે. રેડ ટુ મોટી ફ્રેન્ચાઈસીની ફિલ્મ હોવાથી કદાચ કેસરીની ગતિ પર બ્રેક મારી શકે.
કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના સમર્થન અને આર માધવન તેમજ અનન્યા પાંડે અભિનિત આ ફિલ્મમાં પ્રતિષ્ઠિત સો કરોડનું સીમાચિહ્ન પસાર કરવાની સારી તક છે, જે ત્રીજા અઠવાડિયાના અંત સુધીમાં થઈ જવાની ધારણા છે.