બચ્ચન પરિવાર પછી અનુપમ ખેરનો પરિવાર કોરોનાની ઝપેટમાં
- અભિનેતાની માતા અને ભાઇ સહિત ચાર જણાને કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા.12 જુલાઈ 2020, રવિવાર
અમિતાભ બચ્ચન અને અભિષેક બચ્ચનને કોરોના પોઝિટિવ આવ્યા પછી, અનુપમ ખેરનો પરિવાર કોરોનાની ઝપેટમાં આવ્યો છે.અનુપમે જણાવ્યું છે કે, તેમની માતા, ભાઇ સહિત પરિવારના ચાર વ્યક્તિઓને કોરોના વાયરસથી સંક્રમિત થયા છે.
અનુપમે ટ્વીટ કરીને જણાવ્યું છે કે, અમે દરેકને જણાવવા માંગીએ છીએ કે, મારી માતા દુલારીને કોરોનાની પુષ્ટિ કરવામાં આવી છે.જોકે ડોકટર્સો તેને માઇલ્ડ એટલે કે હળવો કહી રહ્યા છે. અમે તેમને કોકિલાબેન હોસ્પિટલમાં ઇલાજ માટે દાખલ કર્યા છે. આ સાથે મારા ભાઇ, ભાભી અને ભત્રીજીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
અનુપમે ટ્વીટ કર્યાની સાથેસાથે સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે, મારી માતા છેલ્લા થોડા દિવસોથી બીમાર રહેતી હતી. અમારો પરિવાર તેની પૂરી કાળજી લેતા હતા. આ દરમિયાન તેમને ભૂખ નહોતી લાગતી તેમજ સૂતી રહેતી હતી. તેથી અમે તેને હોસ્પિટલમાં તબીબી પરિક્ષણ કરવા લઇ ગયા અને તેમના બધા રિપોર્ટ સામાન્ય આવ્યા હતા. આ પછી ડોકટરે કોરોનાની ટેસ્ટની સલાહ આપી હતી જેમાં કોરોના પોઝિટિવ આવ્યો હતો.
અનુપમ ખેરે આ વીડિયોમાં વધુ જણાવ્યું છે કે, મારી માતાને અમે કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમજ આ બાબતે અમે બીએમસીને સૂચના પણ આપી હતી. એ પછી નગર પાલિકાએ અમારો સંપર્ક કર્યો હતો અને અમારા ઘરને સેનેટાઇઝ કરવાના છે. તમે લોકો પણ તમારું માતા-પિતા સહિત પરિવારનીકાળજી રાખશો. અનુપમે ડોકટર્સોનો પણ આભાર માન્યો હતો.
અનુપમ ખેરના માતા અને ભાઇનો પરિવાર રહે છે તે બંગલાને પણ સેનેટાઇઝ કરીને સીલ કરવામાં આવ્યો છે અને નોટિસ લગાડવામાં આવી છે.