મિર્ઝાપુર પછી ક્રિમિનલ જસ્ટિસનું પણ ફિલ્મ વર્ઝન આવશે
- સર્જક રોહન સિપ્પીએ સંકેત આપ્યો
- ઓટીટી પરથી ફિલ્મનો નવો ટ્રેન્ડ: મિર્ઝાપુર 2026માં રીલિઝ થશે
મુંબઈ : પંકજ ત્રિપાઠીની એક લોકપ્રિય વેબ સીરિઝ 'મિર્ઝાપુર' હવે ફિલ્મ સ્વરુપે બની રહી છે. હવે પંકજ ત્રિપાઠીની જ બીજી લોકપ્રિય વેબ સીરિઝ 'ક્રિમિનલ જસ્ટિસ'નું પણ ફિલ્મ વર્ઝન આવે તેવી શક્યતા છે.
'ક્રિમિનલ જસ્ટિસ'ના સર્જક રોહન સિપ્પીએ આ સંકેત આપ્યો હતો. તેણે કહ્યું હતું કે બે જુદાં જુદાં મિડિયમ એકમેકના પ્રોજેક્ટ અપનાવે તેમાં કશું ખોટું નથી. 'મિર્ઝાપુર'ની તમામ સીરિઝના સારને સમાવતી ફિલ્મ હાલ તૈયાર થઈ રહી છે. તે ૨૦૨૬માં રીલિઝ કરાશે.
દેખીતી રીતે જ ફિલ્મમાંથી સીરિઝનાં કેટલાંય પાત્રોની બાદબાકી થઈ જશે. વેબ સીરિઝને કોઈ સેન્સર બોર્ડ નડતું નથી પરંતુ થિયેટરમાં રીલિઝ થતી ફિલ્મો માટે સેન્સર સર્ટિફિકેટ જરુરી હોવાથી વેબ સીરિઝના અનેક ઈન્ટીમેન્ટ સીન તથા વાયોલન્સ અને અપશબ્દો પર સેન્સરની કાતર ફરી જશે તે નક્કી છે.
જોકે, સરખામણીએ 'ક્રિમિનલ જસ્ટીસ'નું રુપાંતર આસાન હશે. એક વકીલ દ્વારા કાનૂની લડાઈ ઉપરાંત ઈન્વેસ્ટીગેશનને પણ આવરી લેતી આ સીરિઝ પ્રમાણમાં ઘણી સાફસૂથરી છે.