શોબિઝ છોડી સંન્યાસી બની અભિનેત્રી, ગુફા-જંગલમાં કર્યા તપ, ભિક્ષા માગી જીવન વિતાવે છે
TV Actress Become Sadhvi: બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી એક્ટ્રેસ છે જેણે શોબિઝ છોડીને ધર્મનો માર્ગ અપનાવ્યો છે. આ અભિનેત્રીઓમાંથી એક નૂપુર અલંકાર પણ છે, જે એક સમયે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક હતી. તેણે ઘણી સીરિયલમાં દમદાર અભિનય કરી ચાહકોના દિલ જીત્યા હતા. પણ વર્ષ 2022માં તેણે ગ્લેમર વર્લ્ડ છોડી આધ્યાત્મિકતાનો માર્ગ પસંદ કર્યો અને સંન્યાસી બની છે. છેલ્લા ત્રણ વર્ષથી તે સાધ્વી બની જીવન જીવી રહી છે. હાલમાં જ નૂપુર અલંકારે તેના જીવનમાં થયેલા બદલાવો વિશે વાત કરી હતી.
નૂપુર અલંકારે કહ્યું, 'મારા દિવસો એક તીર્થયાત્રાથી બીજીતીર્થ યાત્રાના પ્રવાસમાં મેડિટેશન અને ભગવાનની પ્રાર્થના કરવામાં જ વીતી જતા. જો હું દરેક જગ્યાનું નામ લેવાનું શરૂ કરી દઉં, તો યાદી પૂરી થશે જ નહીં. મારા ત્રણ વર્ષ સંપૂર્ણપણે ઈશ્વરને સમર્પિત હતા.' જણાવી દઈએ કે નૂપુર અલંકારે જ્યારે સાંસારિક મોહ-માયાનો ત્યાગ કરવાની જાહેરાત કરી, ત્યારે ઘણા લોકો આશ્ચર્યચકિત થયા હતા. લોકોને લાગ્યું કે તે પોતાના પર્સનલ પ્રોબ્લેમ્સને દૂર કરવા અમુક સમય માટે આવું કરી રહી છે.
આ પણ વાંચો: ફિલ્મી પરિવાર છતાં મને કોઈ ફાયદો ના થયો... દિગ્ગજ ગાયક પરિવારના પુત્રનું દર્દ છલકાયું
આ વિષય પર વાત કરતાં નૂપુરે કહ્યું કે, 'મને મુંબઈની કે ફિલ્મ જગતની કોઈ ઉણપ નથી ખળી રહી. મને જેટલો સમય સુધી કામ કરવું હતું તેટલું મેં કામ કર્યું અને જે મળવું હતું તે મને મળી ગયું. હવે જીવન હલકું લાગે છે, કારણ કે હું હવે ત્યાં છું, જ્યાં મને હોવું જોઈએ. સંપૂર્ણપણે દુનિયાથી દૂર રહી ફક્ત પ્રાર્થના અને ધ્યાનમાં લીન રહું છું. હું એવી જગ્યાઓ પર રહી છું જ્યાં વીજળી પણ નહોતી, જ્યાં મૂળભૂત જરૂરિયાતો માટે પણ ભિક્ષા માંગવી પડતી હતી. અહંકાર સંપૂર્ણપણે તૂટી ગયો છે. હવે હું તે વેંચવા પાછી આવી છું જેને મેં મેળવ્યું હતું.'
નૂપુરને પૂછવામાં આવ્યું કે સાધ્વી બનીને તેના દિવસનો ખર્ચ કેવી રીતે ચલાવે છે? તેણે જવાબ આપ્યો હતો કે, 'ગ્લેમર વર્લ્ડથી દૂર થયા બાદ મારી માટે સાદુ જીવન જીવવું સરળ બની ગયું છે. પહેલા ઘણા બિલ્સ ચૂકવવા પડતા હતા. લાઇફ સ્ટાઇલના ખર્ચ, ડાયેટની ચિંતા રહેતી હતી. 10,000થી 12,000 રૂપિયામાં મારો મહિનાનો ખર્ચો થતો હતો. વર્ષમાં ઘણીવાર 'ભિક્ષા'ની પ્રથા પણ નિભાવતી હતી, ભિક્ષા માગીને ભગવાન અને મારા ગુરુને અર્પણ કરતી, આનાથી મારો અંહકાર તૂટ્યો, મારી પાસે માત્ર ચાર-પાંચ જોડી કપડા હતા. આશ્રમમાં આવતા લોકો મને ભેટ આપતા, ક્યારેક મને કપડાં પણ આપતા અને તે જ મારી માટે ઘણું હતું.'
મુશ્કેલીઓને યાદ કરતાં નૂપુરે કહ્યું કે, હું ગુફાઓ, જંગલો અને ઊંચા પર્વતો પર પણ રહી છું. ક્યારેક-ક્યારેક હીટર કે શેલ્ટર વગર દિવસ ગુજાર્યા છે. હું કડકડતી ઠંડીમાં પણ રહી છું. કઠોર તપસ્યાને કારણે મારું શરીર નબળું પડી ગયું છે. નૂપુરે કહ્યું કે તે એક સેવક છે અને કેટલાક કર્તવ્યોને પૂર્ણ કરવા તે પાછી આવી છે.