અભિનેત્રી લક્ષ્મી મેનનની દબંગાઇ એન્જિનિયરનું અપહરણ કર્યું
- કેરળની અભિનેત્રી વિવાદોમાં, ફરિયાદ દાખલ
- સાથીઓની મદદથી અપહરણ કરાવ્યું પછી માર મરાવ્યો : અભિનેત્રી ફરાર, અન્યોની અટકાયત
કોચી : કેરળમાં અભિનેત્રી લક્ષ્મી મેનન સામે કોચ્ચીના એક આઇટી કર્મચારીનું અપહરણ કરવાનો આરોપ છે, આ મામલે પોલીસે અભિનેત્રી સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ દાખલ કરી છે.
લક્ષ્મી મેનન સામે એન્જિનિયર અલિયાર શાહ સલીમે ફરિયાદ દાખલ કરાવી છે, જેમાં તેણે પોતાના અપહરણનો આરોપ લક્ષ્મી પર લગાવ્યો છે. સાથે જ ફરિયાદમાં દાવો કર્યો છે કે હું શહેરના એક બારમાં ગયો હતો, જ્યાં લક્ષ્મી મેનન, મિથુન, અનીશ અને તેની અન્ય મહિલા મિત્ર હાજર હતી. યુવકે આરોપ લગાવ્યો હતો કે લક્ષ્મી મેનન અને તેના સાથીઓ નશામાં હતા, બાદમાં મારી સાથે ઝઘડો કરવા લાગ્યા.
હું બારમાંથી બહાર નીકળી ગયો બાદમાં લક્ષ્મી અને તેના સાથીઓએ મારી કારનો પીછો કર્યો હતો ત્યારબાદ મારૂ અપહરણ કરી મારી સાથે મારપીટ કરવામાં આવી, સાથે જ ગંભીર પરિણામ ભોગવવા પડશે તેવી ધમકી આપવામાં આવી. લક્ષ્મી હાલ ફરાર છે, તેના સાથીઓને અટકાયતમાં લેવામાં આવ્યા છે.