અભિનેત્રી અનિતા રાજે લોકડાઉનનું ઉલ્લંઘન કરી ઘરમાં પાર્ટી રાખી
- પડોશીઓએ ફરિયાદ કરતાં પોલીસે તેના ઘરે જઇને પાર્ટી બંધ કરાવી
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 24 એપ્રિલ 2020, શુક્રવાર
દેશભરમાં લોકડાઉન ચાલી રહ્યું છે, પરંતુ ઘણા લોકો તેનું શિસ્તતાથી પાલન કરતા નથી. આવી વ્યક્તિઓમાં ટચૂકડા પડદાની અભિનેત્રી અનિતા રાજના નામનો પણ સમાવેશ થઇ ચુક્યો છે. અનિતાએ લોકડાઉનનું ઉલ્લંઘન કરીને ઘરમાં એક પાર્ટી રાખી હતી. પરંતુ પડોશીઓએ પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે તેના ઘરે જઇને પાર્ટી બંધ કરાવી હતી.
રિપોર્ટસના અનુસાર, જ્યારથી લોકડાઉન જાહેર થયો છે, ત્યારથી સોસાયટીમાં બહારના લોકોની અવર-જવર પર પ્રતિબંધ લદાયો છે. પરંતુ બાંદરાના પાલી હિલ વિસ્તારમાં અનિતા રાજના ઘરે સોમવારે મહેમાનની અવરજવર થતા પડોશીઓ અચંબામાં મુકાઇ ગયા હતા. પરિણામે તે લોકોએ પોલીસમાં ફરિયાદ કરી હતી.
જોકે અનિતાએ પોતે પાર્ટી રાખી હોવાની વાતને નકારી હતી. તેણે કહ્યું હતું કે, તેને ત્યાં જે લોકો આવ્યા હતા તે કોઇ મેડિકલ ઇમરજન્સીને કારણે આવ્યા હતા. મારા પતિ એક ડોકટર છે,અને તેના મિત્રને તબીબી સલાહ જોઇતી હોવાથી તે અમારા ઘરે આવ્યો હતો. આ દરમિયાન તેની પત્ની પણ તેની સાથે જહતી. મારા પતિ ડોકટર હોવાથી માનવતાને કારણે તે મદદ કરવાની ના પાડી શક્યા નહોતા. જોકે પછીથી પોલીસને સઘળી બીનાની જાણ થતાં તેણે અમારી માફી માંગી હતી અને પોલીસ અમારે ત્યાંથી જતી રહી હતી.
જોકે રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, એક વીડિયોમાં અનિતા અને તેના પતિને સિક્યોરિટી ગાર્ડ સાથે ચડભડ કરતાં જોવા મળે છે.