અભિનેતા અરવિંદ ત્રિવેદીનું 82 વર્ષની ઉંમરે અવસાન, 'રામાયણ'માં ભજવ્યું હતું 'રાવણ'નું પાત્ર
- 2002માં અરવિંદ ત્રિવેદીને સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનના એક્ટિંગ ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા
નવી દિલ્હી, તા. 06 ઓક્ટોબર, 2021, બુધવાર
ટીવી જગતની લોકપ્રિય ધારાવાહિક રામાયણમાં રાવણનું પાત્ર ભજવી ચુકેલા અભિનેતા અરવિંદ ત્રિવેદીનું અવસાન થયું છે. તેમણે 82 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. ત્રિવેદીએ રામાનંદ સાગરની રામાયણમાં રાવણનું પાત્ર ભજવ્યું હતું જે ખૂબ જ લોકપ્રિય બન્યું હતું.
આજે એટલે કે, બુધવારે સવારે મુંબઈના દહાનુકરવાડી સ્મશાન ઘાટ ખાતે અરવિંદ ત્રિવેદીના અંતિમ સંસ્કાર કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. તેઓ છેલ્લા ઘણાં સમયથી બીમાર હતા અને ગત રાત્રિએ હાર્ટ એટેકના કારણે તેમનું અવસાન થયું હતું. તેમના ભત્રીજા કૌસ્તુભ ત્રિવેદીએ અરવિંદ ત્રિવેદીના મૃત્યુની પૃષ્ટિ કરી હતી.
રામાયણમાં શાનદાર અભિનય કરનારા અરવિંદ ત્રિવેદીના અન્ય કેટલાય પાત્રો પણ ખૂબ જ પ્રશંસા પામ્યા હતા. તેમણે ટીવી ધારાવાહિક 'વિક્રમ ઓર વૈતાળ'માં પણ કામ કર્યું હતું. તે શો પણ ઘણાં લાંબા સમય સુધી નાના પડદે છવાયેલો રહ્યો હતો.
અરવિંદ ત્રિવેદીનો જન્મ મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેર ખાતે થયો હતો. તેમણે ગુજરાતી રંગમંચ દ્વારા પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમના ભાઈ ઉપેન્દ્ર ત્રિવેદી પણ ગુજરાતી સિનેમાનું ચર્ચિત નામ રહ્યા છે અને ગુજરાતી ફિલ્મોમાં અભિનય કરી ચુક્યા છે. અરવિંદ ત્રિવેદીને ગુજરાતી ભાષાની ધાર્મિક અને સામાજીક ફિલ્મો દ્વારા ગુજરાતી દર્શકોમાં ઓળખાણ મળી હતી અને તેમણે 40 વર્ષ સુધી પોતાનું યોગદાન આપ્યું હતું. તેમને શાનદાર અભિનય માટે અનેક પુરસ્કાર પણ મળેલા હતા.
કોરોનાના લોકડાઉન દરમિયાન ટેલિવિઝન પર ફરીથી રામાયણ શોનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. જોકે અરવિંદ ત્રિવેદી ઘણા લાંબા સમયથી બીમાર હોવાથી તેમના મૃત્યુની અફવા પણ ઉડી હતી. ત્રિવેદીએ ઓછામાં ઓછી 300 હિંદી અને ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું હતું. 2002માં તેમને સેન્ટ્રલ બોર્ડ ફોર ફિલ્મ સર્ટિફિકેશનના એક્ટિંગ ચેરમેન પણ બનાવવામાં આવ્યા હતા. તેઓ 1991માં ભારતીય જનતા પાર્ટીની ટિકિટ પર સાંસદ પણ બન્યા હતા અને 5 વર્ષ સુધી પદ પર રહ્યા હતા.