Attack on Actor Anuj Sachdeva: જાણીતા ટીવી એક્ટર અનુજ સચદેવા પર પાડોશી દ્વારા હુમલો કરવામાં આવતાં તેને લોહીથી લથપથ કરી નાખવામાં આવ્યો હતો. અનુજને દંડાથી ફટકારવામાં આવ્યો હતો. ત્યાર બાદ અનુજે તેનો વીડિયો પણ બનાવ્યો હતો. આ ઘટના તેની ગોરેગાંવમાં આવેલી સોસાયટીમાં થઈ હતી અને એ વિશે તેણે પોતે સોશિયલ મીડિયા પર એ વીડિયો પણ શેર કર્યો હતો. અનુજના જણાવ્યા અનુસાર આ વ્યક્તિએ તેને દંડાથી મારવાની સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી છે. વીડિયોમાં એ જોઈ શકાય છે કે વ્યક્તિ સતત અનુજને ગાળો આપી રહ્યો છે.
પાડોશીએ કર્યો એક્ટર પર એટેક
‘યે રિશ્તા ક્યા કહલાતા હૈ’, ‘સાથ નિભાના સાથિયા’ અને ‘મન કી આવાઝ પ્રતિજ્ઞા’ જેવી લોકપ્રિય શોમાં કામ કરવા માટે અનુજ જાણીતો છે. તેણે ઇન્સ્ટાગ્રામ પર તેની સાથે થયેલી મારપીટનો વીડિયો શેર કર્યો છે. તેના કહ્યું મુજબ સોસાયટીના એક વ્યક્તિએ તેના પર આરોપ લગાવ્યો છે કે અનુજનું ડોગી તેને કરડ્યું છે. આ કારણસર તે વ્યક્તિ ગુસ્સામાં આવીને ગાળો આપવાની સાથે હિંસક થઈ ગયો હતો. આ વીડિયોમાં વ્યક્તિ દંડા દ્વારા અનુજ પર એટેક કરી રહ્યો છે અને કહી રહ્યો છે કે ‘કુત્તે સે કયવાએગા?’
લોહીથી લથપથ અનુજ
આ વીડિયોમાં બેકગ્રાઉન્ડમાં એક મહિલાનો અવાજ સંભળાઈ રહ્યો છે જે વોચમેનને બોલાવવાની કોશિશ કરી રહી છે. થોડા સમયમાં સિક્યોરિટી આવે છે અને એ વ્યક્તિને જબરદસ્તી અનુજથી અલગ કરે છે. આ ઘટનામાં એ વ્યક્તિએ અનુજને મારવાની ધમકી પણ આપી હતી. ત્યાર બાદ અનુજ કેમેરા સામે આવ્યો હતો અને તેણે દેખાડ્યું કે તેના માથા પરથી લોહી નીકળી રહ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરીને તેણે કહ્યું કે આને તે પુરાવા રૂપે શેર કરી રહ્યો છે. તેને અથવા તો તેની મિલકતને કોઈ પણ નુકસાન થાય તો એના માટે કોણ જવાબદાર છે એ પોલીસને ખબર પડે એ માટે તેણે આ વીડિયો શેર કર્યો હતો.
કેમ લડાઈ થઈ?
અનુજે એ પણ કહ્યું કે આ લડાઈ સોસાયટીમાં પાર્કિંગને લઈને થઈ છે. ત્યાર બાદ એ વ્યક્તિએ અનુજ અને તેના ડોગી પર હુમલો કર્યો હતો. અનુજે સોસાયટીનું નામ અને એ વ્યક્તિનો ફ્લેટ નંબર શેર કરીને એના વિરુદ્ધ એક્શન લેવામાં આવે એની માંગ કરી છે. આ ઘટનાને લઈને ટીવી ઇન્ડસ્ટ્રીના ઘણાં લોકો પરેશાન થઈ ગયા હતા. આ વિશે કિશ્વર મર્ચન્ટે લખ્યું કે ‘ઓ માય ગોડ. આ એક પાગલપન છે. અનુજ તું સારો તો છેને?’ સિમ્પલ કૌર દ્વારા તેને પોલીસ ફરિયાદ કરવા માટે વિનંતી કરી હતી. વિવાન બટેના અને નૌહીદ સિરુસી સહિત ઘણી સેલિબ્રિટીઝે ચિંતાની સાથે ગુસ્સો પણ વ્યક્ત કર્યો હતો.
ડોગીઓ માટે અવાજ ઉઠાવે છે અનુજ
અનુજ સચદેવા ઘણાં સમયથી શ્વાન માટે અવાજ ઉઠાવતો રહ્યો છે. તે ઘણી વાર તેના પેટ ડૉગ સિમ્બા સાથે જોવા મળે છે. તેમજ પાળતુ જાનવરોને દત્તક લેવા માટે પણ તે લોકોને અપીલ કરતો રહે છે.


