નવી દિલ્હી,તા. 12 ફેબ્રુઆરી 2024, સોમવાર
એનિમલ બાદ રણબીર કપૂર તેની આગામી ફિલ્મ રામાયણને લઈને સતત ચર્ચામાં છે. આલ્ફા મેલ પછી, ચાહકો તેમના મર્યાદા પુરુષ રામ અવતારને જોવા માટે રાહ જોઈ શકતા નથી. ત્યારે ફિલ્મની સ્ટાર કાસ્ટને લઇને રોજ બરોજ કોઇને કોઇ અપડેટ સામે આવી રહી છે. નિતેશ તિવારી તેમના ડ્રીમ પ્રોજેક્ટ રામાયણ માટે સખત મહેનત કરી રહ્યા છે. દિગ્દર્શક પોતાની ફિલ્મમાં સૌથી મોટી સ્ટાર કાસ્ટને સામેલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેમાં ભગવાન રામના રોલ માટે રણબીર કપૂર અને માતા સીતાના રોલ માટે સાઈ પલ્લવીને કાસ્ટ કર્યા હતા, ત્યારે હવે સમાચાર આવી રહ્યા છે કે અમિતાભ બચ્ચન પણ આ ફિલ્મનો ભાગ બની ગયા છે.
350 કરોડના બજેટમાં બની રહેલી આ ફિલ્મમાં 'રામ' અને 'સીતા' સિવાય હવે રાજા દશરથની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ પણ સામે આવ્યું છે. બોલિવૂડના એક પ્રખ્યાત અભિનેતાને 'રામ' એટલે કે રણબીર કપૂરના પિતાના રોલમાં કાસ્ટ કરવાની ચર્ચા છે. એક અહેવાલ મુજબ અમિતાભ બચ્ચન નીતિશ તિવારીની રામાયણમાં રાજા દશરથની ભૂમિકા ભજવવા જઈ રહ્યા છે.
રામાયણની સ્ટાર કાસ્ટ
રામાયણની સ્ટાર કાસ્ટમાં અત્યાર સુધી રામના રોલ માટે રણબીર કપૂર, વિભીષણના રોલ માટે વિજય સેતુપતિ અને હનુમાનના રોલ માટે સની દેઓલને કન્ફર્મ કરવામાં આવ્યા છે. ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ શૂર્પણખા બની શકે છે.જ્યારે લારા દત્તા કૈકેયીના રોલમાં જોવા મળી શકે છે. જો કે હજુ સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે.


