અભિષેક પણ ફિલ્મ પ્રચાર માટે ગોળ ગોળ પોસ્ટના રવાડે
- લાપતા થવું છે એવી પોસ્ટથી સનસનાટીનો પ્રયાસ
- ફક્ત ઓટીટી પર રીલિઝ થનારી ફિલ્મ કાલીધર લાપતાની જાહેરાત માટે પોસ્ટ
મુંબઇ : ફિલ્મોના પ્રચાર માટે મુખ્ય કલાકારો કોઈ ગોળ ગોળ પોસ્ટ કરે અને તેમાં ફિલ્મની થીમ કે ટાઈટલનો આડકતરો સંકેત આપે તેવી રમત હવે બીબાંઢાળ બની ચૂકી છે. અભિષેક બચ્ચન પણ આ પ્રચાર સરકસમાં સામેલ થઈ ગયો છે. તેણે મારે હવે જિંદગીથી ભાગવું છે, પોતાનાં લોકોથી દૂર થવું છે અને ક્યાંક ખોવાઈ જવું છે એ મતલબની પોસ્ટ મૂકી નિરર્થક સનસનાટી સર્જવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ચકોર નેટ યૂઝર્સને તરત જ ખ્યાલ આવી ગયો હતો કે આ પોસ્ટમાં કોઈ ફિલ્મના પબ્લિસિટીના તુક્કાથી વિશેષ કશું જ નથી. આ પોસ્ટ બાદ થોડા સમયમાં જ તેની આગામી ફિલ્મ 'કાલીધર લાપતા'ની જાહેરાત થઈ હતી. આ ફિલ્મ પણ અભિષેકની પાછલી મોટાભાગની ફિલ્મોની જેમ ઓટીટી પર જ રીલિઝ થવાની છે. કેટલાય સમયથી અભિષેક ફક્ત ઓટીટી માટે જ કામ કરતો હોય તેવી હાલત છે. તેની પાસે બહુ જૂજ ફિલ્મો છે. બોક્સ ઓફિસ પર ક્યારેય સેલેબલ સ્ટાર નહિ રહેલા અભિષેકને ઓટીટીનો નાનો પડદો માફક આવી ગયો છે.