Get The App

અભિષેક બચ્ચને છૂટાછેડા વિશેની પોસ્ટ લાઈક કરતાં ચાહકો ચિંતિત

Updated: Jul 19th, 2024

GS TEAM

Google News
Google News
અભિષેક બચ્ચને છૂટાછેડા વિશેની પોસ્ટ લાઈક કરતાં ચાહકો ચિંતિત 1 - image

- ઐશ્વર્યા સાથે છૂટાછેડાની અટકળો વચ્ચે ચેષ્ટા

- બહુ લાંબા સમયથી અભિષેક તથા ઐશ્વર્યાની સોશિયલ મીડિયા એક્ટિવિટી માઠા સંકેતો આપી રહી છેં 

મુંબઈ : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે અને તેઓ કદાચ છૂટાછેડા લઈ શકે છે તેવી ચર્ચા લાંબા સમયથી છે. આ ચર્ચાઓ વચ્ચે અભિષેક બચ્ચને સોશિયલ મીડિયા પર છૂટાછેડા વિશેની એક પોસ્ટ લાઈક કરતાં બંનેના ચાહકો વધુ ચિંતિત બન્યા છે. 

સોશિયલ મીડિયા પર આ પોસ્ટમાં જણાવાયું છે કે ૫૦થી વધુ વયના યુગલો છૂટાછેડા લે તેવા ગ્રે ડાયવોર્સ અથવા તો  સિલ્વર  સ્પલીટર્સના કેસો વધતા જાય છે. કોઈ વૃદ્ધ યુગલને સજોડે જોઈને  અનેક લોકોને પોતે પણ પોતાના પાર્ટનર સાથે આ રીતે આજીવન સાથે રહેશે તેવી અપેક્ષા જાગે છે. પરંતુ જિંદગીમાં હમેશાં આપણે ઈચ્છીએ તેમ બનતું નથી. જેમણે દાયકાઓથી સાથ નિભાવ્યો હોય, જિંદગીનો એક મોટાભાગનો સમય સાથે ગાળ્યો હોય તેવા લોકો છૂટા પડી જતા હોય તેવું પણ બને છે. 

અભિષેક બચ્ચને આ પોસ્ટ ને લાઈક કરી છે. તે પરથી તે અને ઐશ્વર્યા ખરેખર છૂટાછેડા લઈ રહ્યાં છે કે શું તે બાબતે ચાહકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. 

અભિષેક અને ઐશ્વર્યાનાં લગ્ન ૨૦૦૭માં થયાં હતાં. ૨૦૧૧માં તેમને ત્યાં દીકરી આરાધ્યાનો જન્મ થયો હતો. જોકે, કેટલાય સમયથી અનેક ઈવેન્ટસમાં ઐશ્વર્યા બાકીના બચ્ચન પરિવારથી વિખૂટી જોવા મળે છે. ઐશ્વર્યા પોતાના સોશિયલ મીડિયા પર બચ્ચન પરિવારના અન્ય સભ્યોના ફોટા શેર કરતી નથી. બીજી તરફ ઐશ્વર્યાના જન્મદિવસ સહિતના પ્રસંગે પણ અભિષેકની સોશિયલ મીડિયા પોસ્ટસમાં કોઈ ઉમળકો વર્તાતો નથી.