આમિરનું નવું ગતકડું : મહાભારત બનાવ્યા પછી રિટાયર થઈ જઈશ

- ફિલ્મ રીલિઝ થવાની હોવાથી પબ્લિસિટી માટે નિવેદન
- લાલસિંહ ચઢ્ઢા ફલોપ ગયા બાદ પણ આમિરે એક્ટિંગમાંથી નિવૃત્તિ જાહેર કરી દીધી હતી
મુંબઈ: આમિર ખાનની ફિલ્મ 'સિતારે ઝમીન પર' આગામી દિવસોમાં રીલિઝ થવાની છે. આથી, તેણે પબ્લિસિટી મેળવવા માટે જાતભાતનાં નિવેદનો આપવાં શરુ કરી દીધાં છે. તાજેતરમાં તેણે એવું નિવેદન આપ્યું છે કે આગામી 'મહાભારત' પ્રોજેક્ટ પછી પોતે રિટાયર થઈ જશે કારણ કે મહાભારત જેવા અતિશય વિશાળ અને સંકુલ કથાસંપૂટને ફિલ્મી પડદે ઉતાર્યા બાદ પોતાની પાસે કોઈ નવી સ્ટોરી કહેવા જેવી રહેશે જ નહિ.
આમિર વર્ષોથી 'મહાભારત' બનાવવાની વાતો કર્યા કરે છે પરંતુ તેણે આ પ્રોજેક્ટની ચોક્કસ ટાઈમલાઈન જાહેર કરી નથી. તે ત્રણ ભાગમાં 'મહાભારત' બનાવવાનો હોવાનું કહેવાય છે પરંતુ તે પોતે જ કહે છે કે આ પ્રોજેક્ટ શરુ કરવામાં અને પાર પાડવામાં ઘણો સમય લાગવાનો છે. આમ નિવૃત્તિની વાતો માત્ર ચર્ચામાં રહેવા પૂરતી જ હોય તેવું લાગે છે.
અગાઉ આમિરની 'લાલસિંહ ચઢ્ઢા' ફિલ્મ ટિકિટબારી પર સદંતર ફલોપ ગઈ હતી.
તે વખતે પણ આમિરે પોતે એક્ટિંગમાંથી નિવૃત્તિ લઈ રહ્યાની વાતો કરી હતી. પરંતુ, થોડા મહિનાઓમાં જ તેણે સ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન'ની રીમેક પર કામ ચાલુ કરી દીધું હતું. તે પોતે જ તેમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે. આ ઉપરાંત શાહરુખની જેમ એક્શન ફિલ્મ મેળવવા તેણે સાઉથના અનેક ફિલ્મ સર્જકો પાસે દાણા નાખી જોયા હતા પરંતુ ક્યાંય પણ તેની દાળ ગળી ન હતી.

