Get The App

જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ

Updated: Jun 16th, 2025

GS TEAM

Google News
Google News
જૂહી ચાવલાએ 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આમિર ખાને સ્વીકારી પોતાની ભૂલ 1 - image

Aamir Khan-Juhi Chawla Controversy: બોલિવૂડના અભિનેતા આમિર ખાન હાલમાં તેની ફિલ્મ 'સિતારે જમીન પર' ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન બોલિવૂડના 'મિસ્ટર પરફેક્શનિસ્ટ' તરીકે ઓળખાતા આમિર ખાને તાજેતરમાં જ એક ટીવી ઈન્ટરવ્યૂમાં પોતાની ફિલ્મી કારકિર્દીની વાતો સહિત અનેક સંવેદનશીલ મુદ્દે ખુલાસા કર્યા છે. આ ઈન્ટરવ્યૂમાં તેણે અભિનેત્રી જૂહી ચાવલા સાથેના વિવાદિત સંબંધોની પણ વાત છેડી છે.  

આમિરે જણાવ્યું કે ‘એક સમયે હું કોઈ સાથે નારાજ થયા પછી લાંબા સમય સુધી વાત નહોતા કરતો. હું લોકોની ભૂલો પકડી લેતો અને માફ નહોતા કરતો. જો કે, એવું કરવું ખોટું હતું અને આ અભિગમ ઘણો ખોટો હતો. આ આદતની અસર મારી પૂર્વ પત્ની કિરણ રાવને પણ સહન કરવી પડી અને અભિનેત્રી જૂહી ચાવલા પણ તેનો ભોગ બની. જેના કારણે મેં તેના સાથે 7 વર્ષ સુધી વાતચીત નહોતી કરી.’ 

આમિરે જજમેન્ટલ હોવાનું સ્વીકાર્યું  

આમિરે કહ્યું કે, ‘મેં જૂહી સાથે 7 વર્ષ સુધી વાત નહોતી કરી, આ એક છોકરમત હતી. એ અહંકાર હતો, હું સાચો છું અને બીજી વ્યક્તિ ખોટી છે. જો કે, હવે હું માનું છું કે એ મારી ભૂલ હતી અને મેં થેરપી શરૂ કરી. ખૂબ જજમેન્ટલ અને માફી ન આપવી એ સારી વાત નથી. પછી મેં ધીમે ધીમે આ રીતે મારી જાતને બદલવાનું શરૂ કર્યું.' 

આમિર ખાનને એક મજાક ભારે પડી

વાત એમ છે કે 1997માં ફિલ્મ 'ઇશ્ક'ના શૂટિંગ દરમિયાન નાના-મોટા પ્રૅન્ક્સ થતા હતા. આવા જ એક પ્રૅન્કમાં આમિરે જૂહી સાથે મજાક કરી. આમિરે જૂહીને કહ્યું કે તેને જ્યોતિષવિદ્યા આવડે છે અને તે હાથ જોઈને ભવિષ્ય જણાવી શકે છે. ત્યારે જૂહીએ પણ તેનો હાથ આમિરને બતાવ્યો અને આમિરે તેના હાથ પર થૂંક્યો. આ મજાક આમિરને ભારે પડી ગઈ. જૂહી ગુસ્સામાં રડવા લાગી અને બીજા દિવસે સેટ પર પણ આવી નહીં. ફિલ્મના દિગ્દર્શક ઇન્દર કુમાર આમિર અને અજય સાથે જૂહીના ઘરે પહોંચ્યા જ્યાં આમિરે માફી માંગી. 

સાત વર્ષ પછી જૂહીએ આમિર સાથે વાત કરી 

જૂહીએ ફિલ્મની શૂટિંગ તો પૂર્ણ કર્યું, પરંતુ આમિરના વર્તનથી નારાજ થઈને તેણે 7 વર્ષ સુધી આમિર સાથે વાત ન કરી. આ દરમિયાન આમિરે પણ અહંકારમાં તેના સાથે વાત ના કરી.

વર્ષ 2002માં આમિરે રીના દત્તા સાથે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો ત્યારે જૂહીએ હિંમત કરીને આમિરને ફોન કર્યો અને છૂટાછેડા નહીં લેવા સમજાવ્યો હતો. જોકે આમિર અને રીનાના છૂટાછેડા તો થયા પણ જૂહી અને આમિર વચ્ચેની નારાજગીનો પણ અંત આવ્યો.