4 વર્ષની પલ્લવી જોશીને ડિરેક્ટરે કેમેરા સામે મારી હતી થપ્પડ, ફિલ્મ છોડવા માગતી હતી
Actress Pallavi Joshi: અભિનેત્રી પલ્લવી જોશી વર્ષોથી બોલિવૂડની ફિલ્મોમાં એક્ટિંગ કરી રહી છે. માત્ર ચાર વર્ષની ઉંમરથી જ તેણે એક્ટિંગ શરૂ કરી દીધી હતી. જોકે પલ્લવી માટે તે ક્ષણ ખૂબ જ મુશ્કેલ પણ હતી, કારણ કે તેને તે સમયે કંઈ જ સમજાતું નહોતું. તે સીનમાં રડી પણ નહોતી શક્તિ, જેના કારણે એક ડિરેક્ટરે તેને થપ્પડ મારી દીધી હતી.
અભિનેત્રીને કેમ મારી હતી થપ્પડ
પલ્લવી જોશીએ જણાવ્યું કે, હું માત્ર ચાર વર્ષની હતી ત્યારે 1976માં આવેલી ફિલ્મ રક્ષાબંધનમાં કામ કર્યું હતું. ત્યારે એક સીન દરમિયાન મારે રડવાનું હતું પરંતુ હું રડી જ નહોતી શકતી. મને ઘણી વખત કહ્યા બાદ પણ જ્યારે હું ન રડી શકી ત્યારે ફિલ્મના ડિરેક્ટરે મને કેમેરા સામે જ થપ્પડ મારી દીધી હતી. મેં ફિલ્મ રક્ષાબંધનમાં એક્ટ્રેસ સારિકાના બાળપણનો રોલ કર્યો હતો.
એક ઇન્ટરવ્યૂમાં પલ્લવીએ ફિલ્મ પર વાત કરતાં કહ્યું કે, ડિરેક્ટર શાંતિલાલ જોશી ફિલ્મમાં એક સોન્ગ શૂટ કરી રહ્યા હતા, જેમાં મારે રડવાનું હતું. તેમણે મને સીન જણાવતા કહ્યું કે, તું નાગદેવતાની પૂજા કરી રહી છે અને પછી પોતાનો ચહેરો પકડીને રડવા લાગે છે. તે સમયે હું માત્ર ચાર વર્ષની હતી અને મને આ ખૂબ જ ફની લાગતું હતું. તેમણે ઘણા બધા ટેક્સ લીધા પરંતુ હું હસતી રહી.
ડિરેક્ટર પરેશાન થઈ ગયા અને તેમણે મારા પિતાને કહ્યું કે આને એક થપ્પડ મારી દો. મારા પિતાએ આમ કરવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ તેમણે નાટક કર્યું કે તેઓ પણ મારાથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે, જો કે મને ખબર હતી કે તેઓ પણ એક્ટિંગ કરી રહ્યા છે. આ જોઈને હું વધુ હસવા લાગી. કેટલાક ટેક્સ બાદ શાંતિલાલજી મારી પાસે આવ્યા અને જોરથી એક થપ્પડ મારી દીધી.
થપ્પડ બાદ પલ્લવીનું રિએક્શન શું હતું?
પલ્લવી જોશીએ આગળ જણાવ્યું કે, જ્યારે ડિરેક્ટરે મને થપ્પડ મારી ત્યારે કેમેરા ચાલુ હતો. હું આ દરમિયાન ખૂબ રડી અને સીન પૂરો થયા બાદ ત્યાંથી નારાજ થઈને જતી રહી. જ્યારે તેમણે મને થપ્પડ માર્યો ત્યારે કેમેરા ચાલુ હતો જેના કારણે હું ખૂબ નારાજ થઈ ગઈ. કારણ કે એ પહેલા મને કોઈએ પણ ક્યારેય થપ્પડ નહોતી મારી. મારા ઈગોને ખૂબ ઠેસ પહોંચી હતી કે, આખી ક્રુ સામે મને કેવી રીતે થપ્પડ મારી દીધી.
ફિલ્મ છોડવા માગતી હતી
હું ખૂબ રડી. જ્યારે સીન પૂરો થયો ત્યારે હું ત્યાંથી ઉઠી ગઈ અને ચીસો પાડવા લાગી કે મારે હવે આ ફિલ્મનું શૂટિંગ નથી કરવું. મારા પિતા પણ હેરાન રહી ગયા હતા. તેમણે પણ ડિરેક્ટરને પૂછ્યું કે તમે મારી દીકરીને થપ્પડ કેવી રીતે મારી શકો છો? પરંતુ શાંતિલાલજી ત્યાંથી પેકઅપ કરીને જતા રહ્યા. મેં નક્કી કરી લીધું હતું કે, હું હવે આ ફિલ્મનું શૂટિંગ નહીં કરીશ. થોડા દિવસો વીતી ગયા અને મારા પિતાને ચિંતા થવા લાગી. વાસ્તવમાં શાંતિલાલજી મારો ગુસ્સો શાંત થવાની રાહ જોઈ રહ્યા હતા અને જ્યારે મારો ગુસ્સો ઉતરી ગયો ત્યારે અમે ફરીથી શૂટિંગ શરૂ કર્યું.
વાત કરીએ પલ્લવી જોશીના પ્રોજેક્ટની તો તે થોડા સમય પહેલા જ અનુપમ ખેરની ફિલ્મ તનવી ધ ગ્રેટમાં નજર આવી હતી. હવે તે ટૂંક સમયમાં પોતાના પતિ વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ ધ બંગાલ ફાઈલ્સમાં નજર આવશે.