Get The App

3 Idiots ફેમ એક્ટરનું 91 વર્ષની વયે નિધન, એક ડાયલોગના કારણે ઈન્ડસ્ટ્રીમાં મેળવી ખ્યાતિ

Updated: Aug 19th, 2025

GS TEAM

Google News
Google News
Achyut Potdar Passed Away


Achyut Potdar Passed Away : બોલિવૂડમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. આમિર ખાનની ફિલ્મ '3 ઈડિયટ્સ'માં પ્રોફેસરનો રોલ કરનાર દિગ્ગજ અભિનેતા અચ્યુત પોતદાર હવે આ દુનિયામાં નથી રહ્યા. 91 વર્ષની વયે અચ્યુત પોતદારનું નિધન થયું છે. સ્વાસ્થ્ય સમસ્યાઓનાં કારણે અચ્યુત પોતદાર ગઈકાલે રાત્રે અચાનક બેભાન થઈ જતાં થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબિયત સતત બગડવાને કારણે તેમને બચાવી શકાયા નહીં. પોતદારના દીકરી અનુરાધા પારસ્કરે જણાવ્યું કે મંગળવારે સાંજે 4 વાગ્યે તેમના પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

અચ્યુત પોતદારે 45 વર્ષની ઉંમરે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી

અચ્યુત પોતદારનો જન્મ 22 ઓગસ્ટ, 1934ના રોજ મધ્ય પ્રદેશના જબલપુરમાં થયો હતો. તેઓ એક મરાઠી બ્રાહ્મણ પરિવારના હતા. તેમનું બાળપણ મધ્ય પ્રદેશના ઈન્દોરમાં વીત્યું હતું. વર્ષ 1961માં તેમણે અર્થશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ તેમણે ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું છે. આ લાંબી કારકિર્દીમાં, તેમણે 125થી વધુ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મો ઉપરાંત, તેમણે 95 ટેલિવિઝન સીરિયલ, 26 નાટકો અને 45 જાહેરાતોમાં પણ કામ કર્યું છે, જેમાં હિન્દી અને મરાઠી બંને ફિલ્મો અને ટીવી શૉનો સમાવેશ થાય છે.

અચ્યુત પોતદારના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં થશે?

22 ઓગસ્ટે અચ્યુત પોતદારનો જન્મદિવસ હતો, પણ તે પહેલાં જ તેમનું અવસાન થયું. તેઓ ઘણા સમયથી ઉંમર-સંબંધિત સમસ્યાઓથી પીડાઈ રહ્યા હતા અને તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ મુજબ, અભિનેતા અચ્યુત પોતદારના અંતિમ સંસ્કાર આજે એટલે કે 19 ઓગસ્ટે થાણેમાં કરવામાં આવશે. આ સમયે તેમના પરિવારના સભ્યો અને નજીકના મિત્રો હાજર રહેશે.

'3 ઈડિયટ્સ'નો ફેમસ ડાયલોગ

અચ્યુત પોતદારનો '3 ઈડિયટ્સ' ફિલ્મનો એક ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો હતો. આ ડાયલોગ હતો, 'અરે, કહેના ક્યા ચાહતે હો?' આ ડાયલોગનો સોશિયલ મીડિયા પર ઘણો ઉપયોગ થયો હતો અને તેના પર ઘણાં મીમ્સ બન્યા હતા. લોકો આજે પણ આ મીમ્સને ખૂબ પસંદ કરે છે.

એક્ટિંગ કારકિર્દી દરમિયાન ઘણી હિટ બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું

અચ્યુત પોત્દારે પોતાની ફિલ્મી કારકિર્દી શરૂ કરતા પહેલાં ભારતીય સશસ્ત્ર દળો અને ઇન્ડિયન ઓઇલ કંપનીમાં પણ કામ કર્યું હતું. અચ્યુતે 45 વર્ષની ઉંમરે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે પોતાની એક્ટિંગ કારકિર્દી દરમિયાન ઘણી હિટ બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે, જેમાં ‘આક્રોશ’, ‘લગે રહો મુન્ના ભાઈ’, ‘3 ઇડિયટ્સ’, ‘દબંગ 2’, ‘આલ્બર્ટ પિન્ટો કો ગુસ્સા ક્યું આતા હૈ’, ‘અર્ધ સત્ય’, ‘પરિંદા’, ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’, ‘દિલવાલે’, ‘યે દિલ્લગી’, ‘રંગીલા’, ‘મૃત્યુદંડ’, ‘યશવંત’, ‘ઇશ્ક’, ‘વાસ્તવ’, ‘આ અબ લૌટ ચલેં’, ‘હમ સાથ સાથ હૈં’, ‘તેજાબ’, અને ‘પરિણીતા’ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

3 Idiots ફેમ એક્ટરનું 91 વર્ષની વયે નિધન, એક ડાયલોગના કારણે ઈન્ડસ્ટ્રીમાં મેળવી ખ્યાતિ 2 - image

Tags :