મિસ પુડ્ડુચેરી સ્પર્ધા જીતનાર 25 વર્ષીય મોડેલે આત્મહત્યા કરી, ડિપ્રેશનમાં સરી ગઇ હતી
Image Source: Twitter
San Rechal Suicide: એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. 25 વર્ષીય મોડેલ અને મિસ પુડ્ડુચેરી સેન રેચલ હવે આપણી વચ્ચે નથી. સેન રેચલે આત્મહત્યા કરી લીધી છે. રવિવારે JIPMER હોસ્પિટલમાં સેને અંતિમ શ્વાસ લીધા. તેના નિધનથી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ચાહકોએ સેનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો છે અને તેના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી છે. તમને જણાવી દઈએ કે, રેચલ રંગભેદ સામે એક મજબૂત અવાજ તરીકે ઉભરી આવી હતી.
2021માં 'મિસ પુડ્ડુચેરી'નો ખિતાબ જીત્યો
સેને 2021માં મિસ પુડ્ડુચેરીનો ખિતાબ જીત્યો હતો. સેનનું રિયલ નામ શંકર પ્રિયા હતું. તેણે બાળપણમાં જ પોતાની માતાને ગુમાવી દીધા હતા. માતાના મૃત્યુ બાદ તેના પિતાએ સેનની સંભાળ રાખી હતી. તેના પિતાએ તેને મોડેલિંગ કરવા માટે મોટિવેટ કરી હતી. સેનને મોડેલિંગ કરિયરમાં પોતાની ડાર્ક સ્કીનના કરાણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તમામ પડકારોને પાર કરીને સેને 2019માં 'મિસ ડાર્ક ક્વીન તમિલનાડુ' અને 2021માં 'મિસ પુડ્ડુચેરી'નો ખિતાબ જીત્યો હતો. સેન રેચલે લંડન, જર્મની, ફ્રાન્સ સહિત ઘણા દેશોમાં મોડેલિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેણે મહિલાઓની સુરક્ષા માટે જાગૃતિ પણ ફેલાવી હતી.
ડિપ્રેશનમાં સરી ગઈ હતી સેન રેચલ
સેન રેચલના તાજેતરમાં જ લગ્ન થયા હતા. પ્રાપ્ત માહિતી પ્રમાણે તે ડિપ્રેશનથી પીડાતી હતી. એક અહેવાલ પ્રમાણે 5 જુલાઈના રોજ તણે ઊંઘની ગોળીઓનું વધુ સેવન કરી લીધુ હતું, ત્યારબાદ તેના પિતા તેને પુડ્ડુચેરી સરકારી હોસ્પિટલમાં લઈ ગયા હતા. ત્યારબાદ તેને એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યારપછી શનિવારે સેનને જવાહરલાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પોસ્ટગ્રેજ્યુએટ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (JIPMER)માં લઈ જવામાં આવી હતી, જ્યાં તેણે અંતિમ શ્વાસ લીધા છે. આ મામલે ઉરુલૈયનપેટ્ટાઈ પોલીસે કેસ નોંધીને તપાસ હાથ ધરી છે.