મળેલા જ મળે છે... ભગવદ્ ગીતાનો સાર એટલે જ કર્મ.
- શબ્દ સૂરને મેળે : રાજેશ વ્યાસ 'મિસ્કીન'
- મળેલા જ મળે છે...
કર્મ
ક્યાં અહીં છે એક વ્યાખ્યા કર્મની,
જિંદગી પ્રત્યેક જીવ્યા કર્મની.
કર્મયોગી-કર્મવીર ને કર્મનિષ્ઠ,
એમના પાયામાં શ્રદ્ધા કર્મની.
કાર્ય-ક્રિયા-કામ-કિસ્મત ને કરમ,
હરકદમ પર એક દુનિયા કર્મની.
કર્મકર્તા-કર્મકૌશલ-કર્મવશ,
મન કરે હમ્મેશ ઇચ્છા કર્મની.
કર્મની ન્યારી ગતિ સંતો કહે,
પણ ન રાખે કોઈ પરવા કર્મની.
કર્મબંધન-કર્મભૂમિ-કર્મફળ,
કર્મ સિદ્ધિ સૌ વ્યવસ્થા કર્મની.
કર્મસાક્ષી-કર્મવાદી-કર્મમાર્ગ,
હરપળે કેવળ પરીક્ષા કર્મની.
ખૂબ ઓછા આટલું જાણી શક્યા,
શ્વાસ-ઉચ્છ્વાસ મહત્તા કર્મની.
સર્વ કર્માધીન પણ ના જાણતા,
કોઈ ગણના કોઈ રચના કર્મની.
કર્મનો સિદ્ધાંત જે સમજી શક્યા,
ઉકલી એને જ ભાષા કર્મની.
વંશ વેલો ફાલતો મિસ્કીન આ,
છે કૃપા સૌ પૂર્વજોના કર્મની.
કર્મ ખૂબ જાણીતો શબ્દ છે અને એ એટલો જ ગૂઢ પણ છે. કર્મની સાથે કેટકેટલી પંક્તિઓ યાદ આવી જાય છે...ભગવદ્ ગીતાનો સાર એટલે જ કર્મ.
કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેશુ કદાચન્.... ફળની અપેક્ષા રાખ્યા વગર તું કર્મના રસ્તે આગળ વધ. તરત યાદ આવે કર્તુમ્, અકર્તુમ્, અન્યથાકર્તુમ.
આપણે આપણો ધર્મ સંભાળવો
કર્મનો મર્મ લેવો પિછાણી.
- નરસિંહ મહેતા
કરમ કી ગતિ ન્યારી
સંતો કરમ કી ગતિ ન્યારી....
મૂરખ કો તુમ રાજ દિલાવત
પંડિત ફિરે ભિખારી....
કર્મની ગતિ કેટલી ન્યારી છ ? જ્ઞાાની-પંડિત ભિખારીની જેમ ફરે છે અને જેનામાં બુદ્ધિ જ નથી એવા ઘણાય લોકો મહેલોમાં રહે છે. કર્મ કર્યા સિવાય કોઈ રહી શકતું નથી અને એટલા માટે જ દેહને કાજળ કોટડી કહી છે. પ્રત્યેક કર્મ ફળ આપ્યા વગર નષ્ટ પામતું નથી. 'કર્મ' શબ્દ જેમ-જેમ સમજતા જઈએ છીએ તેમ-તેમ સમગ્ર વિશ્વ કર્મથી જ જોડાયેલું છે અને કર્મનું ફળ છે તેમ જણાય છે. કર્મ એક એવો શબ્દ છે જેની વ્યાખ્યા અનેક છે. પ્રત્યેક વ્યક્તિ કર્મના આધારે જ જિંદગી જીવતો હોય છે. અને આમ કર્મફળ, કર્મબંધન જેવા શબ્દોથી પરિચિત થતા જઈએ છીએ.
કોઈ છેતરી જાય છે. કોઈ આપણી ઉપર નિઃસ્વાર્થ ભાવે પ્રેમથી વરસે છે. કોઈ મદદરૂપ થાય છે અને કોઈ કારણ વગર આપણી જિંદગીમાં વિઘ્નો મૂકે છે. આવું બધું થાય છે ત્યારે એક પ્રસંગ યાદ આવે છે. બાળપણમાં એક એવા સંતને મળવાનું થયું હતું કે જે વ્યક્તિનો ચહેરો જોઈને તેમને ભીતરથી જે સૂઝે તે બોલવા લાગતા. અને આશ્ચર્યજનક રીતે બધું જ સાચું હોય. હું તેમનાથી ખૂબ પ્રભાવિત થયેલો હતો. ઘણાં વર્ષો પછી તેમના અંતિમ દિવસોમાં તેમને મળવાનું થયું હતું. સાધુ તો ચલતા ભલા... એ ન્યાયે એ જીવનભર ક્યાંય ઝાઝુ રોકાતા નહોતા. છેલ્લે છેલ્લે જ્યારે મળવાનું થયું ત્યારે તેમણે મને પૂછ્યું કે તારે કંઈ જાણવું છે? તારે કઈ પૂછવું છે? તારે કંઈ જોઈએ છે? બે-ત્રણ દિવસ મને આવું રોજ પૂછ્યું અને મારાથી સહજ પૂછાઈ ગયું કે તમે હવે દેહ છોડવા તરફ જઈ રહ્યા છો? તેમના બે વાક્યો જીવનભર મને યાદ રહેશે. તેમણે કહ્યું હતું કે પ્રસિદ્ધિ પરપોટા જેવી હોય છે. અને બીજું વાક્ય એ મારું જીવનબળ બની ગયું. મારે કશું જોઈતું નહોતું, પરંતુ તેમણે વર્ષો સુધી કર્મ અને ભાગ્ય વિશે ખૂબ સંશોધન કર્યું હતું. એટલે મેં પૂછ્યું કે તમારા જીવનના સારરૂપ કોઈ વાક્ય હોય તો એ ક્યું છે ? મને સુખમાં, દુઃખમાં, હર્ષમાં, શોકમાં હિંમત અને બળ આપે એવું કશુંક જણાવો. અને તેમણે મારા હાથમાં હાથ લઈને આંખોમાં આંખો પરોવીને મને કહ્યું હતું કે જીવનભર યાદ રાખજે કે 'મળેલા જ મળે છે.'
કોઈ છેતરી જાય છે, કોઈ દગો દે છે, કોઈ મદદરૂપ થાય છે, અચાનક કોઈ સુખ આપે છે અને તરત મને આ વાક્ય યાદ આવે છે, મળેલા જ મળે છે. ઋણાનુબંધ, લેણદેણ આ શબ્દો સમજાવા લાગ્યા છે. કોઈક જનમનું આપવાનું બાકી હોય છે એ આ જન્મે ચૂકવતા હોઈએ છીએ. લેણદેણ શબ્દમાં લેણ અને દેણ બંને જોડાયેલા છે. કોઈ આપણી પાસે માગતું હોય છે. કોઈની પાસે આપણે માગતા હોઈએ છીએ. આ ઋણાનુબંધ એ કર્મ સાથે જોડાયેલા છે. અને કર્મ પ્રત્યેક પળે આપણે કર્યા કરીએ છીએ.
ઘણાંને આપણે કર્મયોગી, કર્મવીર, કર્મનિષ્ઠ આદમી તરીકે ઓળખતા હોઈએ છીએ. ઘણા કહેતા હોય છે કે અમે કર્મયોગમાં માનીએ છીએ. એમના પાયામાં કર્મ પ્રત્યેની શ્રદ્ધા રહેલી છે. સારા કર્મ કરીશું તો સારું ફળ મળશે. કર્મને જે કાર્ય કહ્યું છે, ક્રિયા કહી છે, કામ કહ્યું છે અને આ જ કરમ કિસ્મત બનાવે છે. ક્યારેક આપણે કોઈને બોલતા સાંભળીએ છીએ કે જેવા જેના કરમ.
કરમની સાથે કેવા-કેવા શબ્દો જોડાયેલા છે. કરમ કથા, કરમ કહાની, કરમ ઉઘડવું, કર્મકાંડ, કર્મકૌશલ. એક શબ્દ આપણે ખૂબ જાણીએ છીએ અને તે છે કર્મનો સિદ્ધાંત. કર્મના પણ ઘણાં ભાગ છે. સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ. અમુક કર્મને શાસ્ત્રએ અકર્મ કહ્યા છે. ખરેખર તો પ્રત્યેક શ્વાસ અને પ્રત્યેક ઉચ્છ્વાસ જોડાયેલા છે. આપણા કર્મની સાથે આપણે બોલીએ છીએ ખરા. સારા કર્મો પણ જ્યારે અંગત સ્વાર્થની વાત આવે છે ત્યારે આપણું મન તરત જ ભળતી દલીલો કરે છે.
જેમ-જેમ કર્મ વિશે વિચારતો જઉં છું તેમ-તેમ ખરેખર પ્રત્યેક પળે જીવનનું મૂલ્ય અને શ્વાસનું મૂલ્ય સમજાય છે. ગુજરાતી સાહિત્યમાં કર્મ વિશે ઘણી સુંદર કવિતાઓ અછડતા સંદર્ભ સાથે લખાયેલી છે. મૂળમાં તો પ્રત્યેક કથા એ કર્મકથા જ છે. મન કર્મ કર્યા વગર રહી જ નથી શકતું. ઘણીવાર મન થાય છે કે કશું જ કર્મ ન કરવું. પણ એ કર્મની મુક્તિથી શું મળશે? મુક્તિ તો ખાલીપણું છે. એને શેનાથી ભરાય ? આવું ચિંતન આદિલ મન્સૂરીના એક શેરમાં છે.
કર્મમાંથી મુક્ત થઈને કરવું શું,
મુક્તિની રિક્તતામાં ભરવું શું,
ડૂબવું શું અને પાર ઉતરવું શું,
બંધ પાણીમાં ખાલી તરવું શું.